WORLD : વૈજ્ઞાનિકોને દેડકાના આંતરડામાંથી કેન્સર મટાડે તેવા બેક્ટેરિયા મળ્યાં

0
36
meetarticle

જાપાનના વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું કે દેડકાં, ગરોળી, સરીસૃપોમાં કેન્સરનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તેમના શરીરની બનાવટ જ એવી હોય છે કે તેમાં કેન્સરની ગાંઠ બનવાની શક્યતા ઘણી ઓછી છે. આ તારણ પછી સંશોધકોએ દેડકાં પર પ્રયોગો કર્યા અને એમાં એવા બેક્ટેરિયા મળી આવ્યાં જે કેન્સરનો સમૂળગો નાશ કરે છે. સંશોધકોએ ઉંદરો પર પ્રયોગો કર્યા એમાં સફળતા પણ મળી છે. તેના કારણે આગામી દિવસોમાં કેન્સરનો સચોટ ઈલાજ મળશે એવી આશા જીવંત બની છે.

 જાપાનની સાયન્સ અને ટેકનોલોજી ઈન્સ્ટિટયૂટના વૈજ્ઞાનિકોએ દેડકાં, ગરોળી જેવા સજીવોમાંથી ૪૫ જુદા જુદા બેક્ટેરિયા શોધી કાઢ્યા. એમાંથી ૯માં કેન્સર સામે લડવાની અદ્ભુત ક્ષમતા જોવા મળી. વળી, એ નવમાંથી એક દેડકાંના આંતરડામાંથી મળેલા બેક્ટેરિયાએ તો સંશોધકોને આશ્વર્યમાં નાખી દીધા. જાપાનમાં ટ્રી ફ્રોગ કહેવાતા દેડકાંના શરીરમાંથી ઈવિન્જેલા અમેરિકાના નામના બેક્ટેરિયામાં કેન્સરને નાબુદ કરવાની ક્ષમતા છે. સંશોધકોએ ઉંદરોના શરીરમાં આ બેક્ટેરિયાનો પ્રયોગ કર્યો અને એ ઉંદરના શરીરમાંથી કેન્સર સાવ મટી ગયું. આ બેક્ટેરિયાનો માત્ર એક ડોઝથી જ એટલું અસરકારક કામ થયું કે ૩૦ દિવસ પછી સંશોધકોએ ફરીથી એ ઉંદરના શરીરમાં કેન્સરના સેલ નાખ્યા તો એની કોઈ જ અસર ઉંદરના શરીરમાં થઈ નહીં.સંશોધકોએ તારણ કાઢ્યું એ પ્રમાણે ડ્રાયોફીટીસ જાપોનિકસ પ્રકારના દેડકાંના આંતરડાંમાંથી મળતાં બેક્ટેરિયા બે પ્રકારે કામ કરે છે. એક તો એ સીધો ટયૂમર પર હુમલો કરે છે. બીજું, તેનાથી શરીરની ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. ટયૂમરમાં ઓક્સિજન ઓછું હોય એટલે કીમો થેરપીને સારવારમાં સમય લાગે છે. તેની સામે આ બેક્ટેરિયા ઓક્સિજન ઓછું હોય ત્યાં પણ અસરકારક રીતે કામ કરે છે. સંશોધકોએ એવું પણ નોંધ્યું કે આ બેક્ટેરિયાથી ઉંદરોના શરીરમાં કોઈ જ સાઈડ ઈફેક્ટ જોવા મળી ન હતી. હવે સંશોધકો તેને જુદા જુદા પ્રકારના કેન્સરમાં પણ અજમાવશે. અન્ય દવાઓ સાથે આ બેક્ટેરિયાને ભેળવીને પ્રયોગો થશે કે તેનાથી કેવી અસર થાય છે. આ બેક્ટેરિયા માનવ શરીર માટે અનુકૂળ હશે કે નહીં તે બાબતે તારણો કાઢવામાં આવશે. કારણ કે દેડકાંના શરીરના બેક્ટેરિયા માનવ શરીરમાં સંક્રમણ ફેલાવી શકે એવો ખતરો પણ રહેશે. જાપાનના સંશોધકોની આ સારવારનો રિપોર્ટ ગટ માઈક્રોબ્સ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો અને સાયન્સ એલર્ટ, ન્યૂઝ મેડિકલ વગેરે પ્લેટફોર્મમાં પણ તેના અહેવાલો પ્રસિદ્ધ થયા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here