ચીનના સરમુખત્યાર સમાન પ્રમુખ શી જિન પિંગે તેની સેનાના ટોચના જનરલ્સને ફારેગ કરી દીધા છે. હવે તેની સમક્ષ સૌથી મોટો પડકાર તે જગ્યાઓ ભરવાનો છે અને સેનાને અમેરિકાને પડકારવા તૈયાર કરવાનો છે. શનિવારે ચીનની સંસદમાં તેમણે કહ્યું કે સૌથી મોટી ચિંતા પ્રતિબદ્ધતાની છે.

જાણકારો સ્પષ્ટ રીતે કહે છે કે ચીનનાં પીપલ્સ લિબરેશન આર્મીના ટોચના જનરલ્સ એક યા બીજા કૌભાંડમાં સપડાયેલા છે. તેમાં આર્થિક કૌભાંડો ઉપરાંત હની ટ્રેપ પણ સામેલ છે. તે સંયોગોમાં, અમેરિકા સામે પડકાર ફેંકવો, ચીન માટે મુશ્કેલ બની રહેવાનું છે તે નિશ્ચિત છે.
વિશ્લેષણકારો લડાખ યુદ્ધમાં ત્રણવખત ઓફીસર કમાન્ડીંગને બદલવા પડયા હતા તેની યાદ આવે છે. તેમજ ડૉકલામ તથા અરૂણાચલ પ્રદેશમાં પણ ચીનની દુર્ઘર્ષ મનાતી સેનાને મળેલા પછડાટની યાદ આપે છે. આમ બહારથી લોખંડી કવચ પહેરેલાં ચીનનાં લશ્કરનો ભીતરનો દેહ ઘણો ખોખલો બની રહ્યો હોવાની આશંકા અર્થહીન નથી. તે સંયોગોમાં અમેરિકાને પડકારવું તેના માટે મુશ્કેલ બની રહે તેમ છે. વિશેષત: ચીનના માંધાતા શી જિન પિંગ જ્યારે તાઈવાનને ચીનની તળભૂમિની સામ્યવાદી સરકાર સાથે જોડાવા માગે છે ત્યારે અમેરિકા તાઈવાનની બાજુમાં ઊભું જ રહેશે તે નિશ્ચિત છે. તે સંયોગોમાં અમેરિકા સામે ટક્કર લેવા માટે ચીનનાં પીપલ્સ લિબરેશન આર્મીપાસે ટોચ કક્ષાએ નેતાગીરીમાં વેક્યુમ ઊભું થવાની પૂરી આશંકા રહેલી છે.

