લિબિયા પર ચાર દાયકા સુધી શાસન કરનારા કુખ્યાત સરમુખત્યાર કર્નલ મુઅમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જે વ્યક્તિ એક સમયે લિબિયાના સત્તાવાર પદ વગર પણ દેશનો સૌથી શક્તિશાળી ચહેરો હતો, તેનો અંત અત્યંત રહસ્યમય સંજોગોમાં થયો છે. જોકે, હજુ સુધી આ હુમલા પાછળ કોનો હાથ છે તે અંગે કોઈ જૂથે સત્તાવાર જવાબદારી સ્વીકારી નથી.

સુધારકથી સંહારક સુધીની સફર
સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફી લિબિયાનો એક એવો ચહેરો હતો જેને પશ્ચિમી દેશો ‘આશાનું કિરણ’ માનતા હતા. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરનાર સૈફ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતો હતો અને પશ્ચિમી લોકશાહીના મૂલ્યોની વાતો કરતો હતો.
લિબિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું અટૂલું પડતા બચાવવા માટે તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1988ના લોકરબી બોમ્બ ધડાકાના પીડિતોને વળતર અપાવવા અને લિબિયાના સામૂહિક વિનાશના શસ્ત્રોનો ત્યાગ કરાવવા માટે તેણે પશ્ચિમી દેશો સાથે સફળ વાટાઘાટો કરી હતી. વર્ષ 2011માં જ્યારે ગદ્દાફી શાસન સામે બળવો ફાટી નીકળ્યો, ત્યારે સુધારક ગણાતા સૈફે તરત જ પોતાના કુટુંબ અને પિતાની વફાદારી સ્વીકારી બળવાખોરો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ જ વળાંક તેના પતનની શરૂઆત સાબિત થયો
.વાઘ પાળવાનો શોખ અને નોકર જેવું જીવન
સૈફ અલ-ઇસ્લામની જીવનશૈલી એક સમયે વિશ્વભરમાં ચર્ચાતી હતી. તે પોતાના મહેલમાં પાળતુ પ્રાણી તરીકે વાઘ અને સિંહ રાખવાનો શોખીન હતો. કરોડોની સંપત્તિ અને અઢળક સત્તા ભોગવનાર આ રાજકુમારે પિતાના પતન અને 2011ના બળવા બાદ અત્યંત મુશ્કેલ દિવસો જોયા હતા.
તેને બળવાખોરો દ્વારા પકડી લેવામાં આવ્યો હતો અને લાંબો સમય કેદમાં રાખવામાં આવ્યો હતો. તેને આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC) દ્વારા માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે વોન્ટેડ જાહેર કરાયો હતો. સત્તાના કેન્દ્રમાંથી ફેંકાઈ ગયા બાદ તે લિબિયાના જ રણ વિસ્તારોમાં છુપાઈને એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવવા મજબૂર બન્યો હતો.
લિબિયાના રાજકારણ પર અસર
સૈફની હત્યાથી લિબિયાના અસ્થિર રાજકારણમાં ફરી એકવાર અરાજકતા ફેલાવાની ભીતિ છે. ગદ્દાફી સમર્થકો માટે તે એક આશાનું પ્રતીક હતો, જે હવે કાયમ માટે શાંત થઈ ગયું છે.
