વિદેશ મંત્રાલયે રાજ્યસભામાં જાહેર કરેલા રિપોર્ટ મુજબ વિશેષરૂપે ખાડી દેશોમાંથી ભારતીયોની હકાલપટ્ટીના સામાન્ય કારણોમાં વિઝા અથવા રોકાણની મુદત કરતા વધુ સમય રહેવું, કાયદાકીય વર્ક પરમીટ વિના કામ કરવું, શ્રમ નિયમોનો ભંગ, એમ્પ્લોયર્સના ત્યાંથી ભાગીને બીજે કામ કરવું અને દીવાની અથવા ગુનાઈત કેસોમાં સંડોવણીનો સમાવેશ થાય છે.

વિદેશ મંત્રાલયે તેના રિપોર્ટમાં જણાવ્યું કે, દુનિયામાં સૌથી વધુ સાઉદી અરબે ૧૨ મહિનામાં ૧૧,૦૦૦ લોકોને નિર્વાસિત કર્યા હતા. ત્યાર પછી બીજા ક્રમે અમેરિકાએ એક વર્ષમાં ૩,૮૦૦ ભારતીયોને દેશમાંથતી કાઢી મૂક્યા હતા, જેમાંથી મોટાભાગના ખાનગી કંપનીના કર્મચારી હતા, પરંતુ આ સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકામાંથી ભારતીયોની હકાલપટ્ટીની સૌથી વધુ છે.
નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકામાંથી ભારતીયોને કાઢી મુકવાનું કારણ ટ્રમ્પ સરકાર દ્વારા તાજેતરમાં જ કરાયેલી કડકાઈ અને દસ્તાવેજો, વિઝા સ્થિતિ, વર્ક ઓથોરિટી, નિશ્ચિત સમય કરતાં વધુ પ્રવાસ વગેરેની આકરી તપાસ છે. વોશિંગ્ટન ડીસીથી ૩,૪૧૪ જ્યારે હ્યૂસ્ટનમાં ૨૩૪ ભારતીયોને કાઢી મૂકવામાં આવ્યા હતા.
નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાંથી મોટી સંખ્યામાં કામદારો ખાડી દેશોમાં પલાયન કરતા હોય છે. આ કામદારો બાંધકામ ક્ષેત્રમાં મજૂર તરીકે કામ કરે છે, સુપરવાઈઝર બને છે અથવા ઘરેલુ નોકર તરીકે કામ કરે છે. આ દેશોમાં વિવિધ કારણોસર ભારતીયોને દેશમાંથી કાઢી મૂકવા એ સામાન્ય બાબત છે.
તેલંગણા સરકારની અનિવાસી પ્રવાસી સલાહકાર સમિતિના ઉપાધ્યક્ષ ભીમા રેડ્ડીએ કહ્યું કે, ખાડી દેશોમાં કામ કરતા મોટાભાગના ભારતીયો ઓછા કુશળ કામદારો છે, જે એજન્ટોના માધ્યમથી ભારતમાંથી પલાયન કરે છે અને અનેક કિસ્સામાં વધુ નાણાં કમાવવાના પ્રયત્નમાં નાના-મોટા ગુનામાં સંડોવાઈ જાય છે. અન્ય કેટલાક કિસ્સામાં સ્થાનિક કાયદા અને નિયમો અંગે જાગૃતિ નહીં હોવું પણ તેમના માટે મુશ્કેલી ઊભી કરે છે.
જોકે, મ્યાંમાર અને કંબોડિયા જેવા દેશોમાંથી ભારતીયોના ડિપોર્ટેશનની પેટર્ન અલગ છે. રેડ્ડીએ કહ્યું કે, આ દેશોમાં ડિપોર્ટેશનના કેસો મોટાભાગે સાયબર ગુલામી સાથે સંકળાયેલા છે. આ દેશ મલ્ટી-બિલિયન ડોલરના સાયબર ક્રાઈમ ઉદ્યોગના મોટા હબ તરીકે ઊભરી આવ્યા છે, જ્યાં ભારતીયોને વધુ પગારની નોકરીની લાલચ આપીને લઈ જવાય છે, પરંતુ પાછળથી તેમને ફસાવીને તેમની પાસેથી ગેરકાયદે કામ કરાવવામાં આવે છે. અંતે સ્થાનિક પોલીસ દ્વારા તેમની અટકાયત કરીને તેમને ડિપોર્ટ કરી દેવાય છે.
તેલંગણા ઓવરસીઝ મેનપાવર કંપનીનાં નાગા ભરાનીએ કહ્યું કે, ભારતીય કામદારોને વિદેશી ધરતી પર પહોંચતા પહેલા નિયમો અંગે માહિતી આપવી અત્યંત જરૂરી છે. લોકોએ પોતાના વિઝાની સમય મર્યાદા પર ઝીણવટપૂર્વક નજર રાખવી જોઈએ અને સ્થાનિક નિયમોનું પાલન કરવું જોઈએ. વિઝા લંબાવવા માટે અરજી કરવાનો વિકલ્પ હંમેશા ઉપલબ્ધ હોય છે. આ બધા વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત મોકલવાનું સૌથી વધુ ચલણ બ્રિટનમાં જોવા મળ્યું છે. બ્રિટનમાંથી વર્ષ ૨૦૨૫માં ૧૭૦ વિદ્યાર્થીઓને સ્વદેશ મોકલાયા હતા. ત્યાર પછી ઓસ્ટ્રેલિયા (૧૧૪), રશિયા (૮૨) અને અમેરિકા (૪૫)માંથી પણ વિદ્યાર્થીઓની હકાલપટ્ટી કરાઈ છે.
ભારતીયોને કાઢી મૂકનારા ટોચના 10 દેશ
| દેશ | સંખ્યા |
| સાઉદી અરબ | ૧૧૦૦૦ |
| અમેરિકા | ૩૮૦૦ |
| મ્યાંમાર | ૧૫૯૧ |
| મલેશિયા | ૧૪૮૫ |
| યુએઈ | ૧૪૬૯ |
| બહરીન | ૭૬૪ |
| થાઈલેન્ડ | ૪૮૧ |
| કંબોડિયા | ૩૦૫ |
| બ્રિટન (વિદ્યાર્થી) | ૧૭૦ |

