WORLD : સીઝફાયર કરીને ટ્રમ્પે ઈઝરાયલના ઇરાદાઓ પર પાણી ફેરવ્યું, નેતન્યાહૂ બરાબરના અકળાયા

0
15
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના હુમલા અચાનક રોકવાની જાહેરાત કરીને સમગ્ર વિશ્વ અને ખાસ કરીને તેના મિત્ર દેશ ઈઝરાયલને મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે બે અઠવાડિયાના સીઝફાયરની જાહેરાત કરી છે અને ઈરાન દ્વારા રજૂ કરાયેલા 10 મુદ્દાના પ્રસ્તાવને કાયમી શાંતિ માટેનો ‘યોગ્ય આધાર’ ગણાવ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આસિમ મુનીર સાથેની વાતચીત બાદ તથા હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે ખોલવાની ઈરાનની સહમતિ પછી, તેઓ આગામી બે અઠવાડિયા માટે બોમ્બમારો અને હુમલા રોકી રહ્યા છે. અમેરિકાનું માનવું છે કે તેણે તેના સૈન્ય લક્ષ્યો પ્રાપ્ત કરી લીધા છે.

ટ્રમ્પના નિર્ણયથી ઈઝરાયલને મોટો આંચકો

ટ્રમ્પના આ નિર્ણયથી નેતન્યાહૂ સરકાર અને ઈઝરાયલી સુરક્ષા એજન્સીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઈઝરાયલ ઇચ્છતું હતું કે ઈરાન સંપૂર્ણપણે નબળું ન પડે ત્યાં સુધી હુમલા ચાલુ રાખવા જોઈએ. ખાસ કરીને ઈરાને સીઝફાયરમાં લેબેનૉનનો પણ સમાવેશ કરવાની શરત રાખી છે, જે ઈઝરાયલ માટે સ્વીકારવી મુશ્કેલ છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હિઝબુલ્લાહ સામેની લડાઈને ઈરાન યુદ્ધથી અલગ રાખવા માંગે છે, પરંતુ ટ્રમ્પના દબાણ હેઠળ ઈઝરાયલે પણ હાલ પૂરતું આ યુદ્ધવિરામનું સન્માન કરવું પડશે.

ઈરાનનો ’10-પોઇન્ટ્સ’ એજન્ડા: શું છે તેહરાનની માંગ?

ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, પાકિસ્તાન દ્વારા વ્હાઇટ હાઉસને મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં નીચે મુજબના 10 મુખ્ય મુદ્દાઓ સામેલ છે:

અહિંસા પ્રત્યેની પ્રતિબદ્ધતા: બંને પક્ષો ભવિષ્યમાં હિંસા નહીં કરવાની શપથ લેશે.

હોર્મુઝ પર નિયંત્રણ: ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ પર ઈરાનનું વર્ચસ્વ જળવાઈ રહેવું જોઈએ.

યુરેનિયમ સંવર્ધન: શાંતિપૂર્ણ હેતુઓ માટે યુરેનિયમ સંવર્ધનની મંજૂરી.

પ્રાથમિક પ્રતિબંધો: અમેરિકા દ્વારા લાદવામાં આવેલા તમામ મુખ્ય પ્રતિબંધો નાબૂદ કરવા.

દ્વિતીય પ્રતિબંધો: ઈરાન સાથે વેપાર કરતાં અન્ય દેશો પરના પ્રતિબંધો પણ હટાવવા.

UNSC ઠરાવો: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઈરાન વિરોધી તમામ પ્રસ્તાવોનો અંત.

બોર્ડ ઑફ ગવર્નર્સ: પરમાણુ એજન્સીના તમામ પ્રતિકૂળ ઠરાવો રદ કરવા.

વળતરની માંગ: યુદ્ધમાં થયેલા નુકસાન માટે ઈરાનને વળતર ચૂકવવું.

સૈન્ય વાપસી: પશ્ચિમ એશિયાના દેશોમાંથી અમેરિકન લડાકુ દળોની સંપૂર્ણ વાપસી.

વ્યાપક યુદ્ધવિરામ: લેબેનૉનમાં હિઝબુલ્લાહ સહિતના તમામ મોરચે લડાઈ બંધ કરવી.

ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણાના એંધાણ

આ સમગ્ર સમજૂતીમાં પાકિસ્તાન મધ્યસ્થી તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને આગામી શુક્રવાર, 10 એપ્રિલના રોજ ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે નિર્ણાયક વાતચીત શરૂ થશે. ચીન અને રશિયાના વ્યૂહાત્મક દબાણને કારણે અમેરિકાને નમવું પડ્યું હોય તેમ લાગી રહ્યું છે, જ્યારે ટ્રમ્પ આ ‘શાંતિ’નો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here