પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેફગાર્ડ અમેરિકન વોટર્સ એલિજિબિટી-સેવ-અમેરિકા એક્ટને સેનેટ દ્વારા મંજૂર કરવામાં ન આવે ત્યાં સુધી પ્રમુખ તરીકે બીજા એક પણ ખરડા પર પોતે સહી નહીં કરે તેવી જાહેરાત કરી હતી. પોતાના સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ટ્રથ સોશ્યલ પર ટ્રમ્પે જણાવ્યું હતું કે સેવ એક્ટને મંજૂર કરાવવો તે તેમની પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે ફલોરિડામાં તેમની ગોલ્ફ કલબ ખાતેથી જણાવ્યું હતું કે જ્યાં સુધી સેવ એક્ટ પસાર નહીં થાય ત્યાં સુધી પ્રમુખ તરીકે બીજા કોઇ ખરડાને મંજૂર નહીં કરે. ટ્રમ્પની આ આડોડાઇને કારણ બંધારણીય સંકટ ઉભું થઇ શકે છે. બીજી તરફ ડેમોક્રેટ્સ સેનેટમાં આ ખરડાને કોઇપણ ભોગે મંજૂર થવા દેવા માંગતા નથી. આ ખરડો પ્રતિનિધિસભામાં ફેબ્રુઆરીમાં જ પસાર થઇ ચૂક્યો છે.નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીમાં મતદાન સબંધિત નિયમોને કડક બનાવવાનો આ ખરડાનો હેતુ છે. સેવ એક્ટ હેઠળ મતદારે નોંધણી કરાવતી વખતે પોતાના નાગરિકત્વનો પાકો પુરાવો આપવો પડશે. જો કોઇ ચૂંટણી અધિકારી જરૂરી દસ્તાવેજો વિના કોઇની મતદાર તરીકે નોંધણી કરે તો તેની સામે ગુનાઇત કાર્યવાહી કરવાની જોગવાઇ પણ આ ખરડામાં કરવામાં આવેલી છે. કોંગ્રેસમાં ફેબ્રુઆરીમાં પસાર થઇ ગયેલા ખરડાને સેનેટમાં પસાર કરાવવાનું ટ્રમ્પ માટે સરળ નથી.

બીજી તરફ ડેમોક્રેટ્સ નેતાઓએ આ ખરડાનો જોરદાર વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી આ ખરડા દ્વારા મતદારોને ડરાવવા અને ધમકાવવા માંગે છે. ડેમોક્રેટસનું માનવું છે કે નાગરિકતાના પુરાવા જેવી શરતોને કારણે ઘણાં લોકો મતદાનથી વંચિત રહી જશે. આ ખરડા અનુસાર મતદારે પોતાની નાગરિકતા પુરવાર કરવા માન્ય યુએસ પાસપોર્ટ, કે જન્મનું પ્રમાણપત્ર કે માન્ય ફોટો ઓળખપત્ર જેવા પુરાવા રજૂ કરવા પડશે. જે લોકો અમેરિકન નાગરિક ન હોય તેઓ ફેડરલ ચૂંટણીમાં મતદાન કરી શકતાં નથી. હાલ ડેમોક્રેટ્સની સ્થિતિ મજબૂત છે અને તેઓ ફરી પ્રતિનિધિસભામાં બહુમતિ હાંસલ કરવા માંગે છે. તાજેતરમાં કેટલીક ચૂંટણીઓમાં ડેમોક્રેટ્સ ઉમેદવારો વિજયી બનતાં તેમનો જુસ્સો વધ્યો છે.
જો પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટ્સની બહુમતિ થઇ જાય તો ટ્રમ્પ માટે પ્રમુખની બાકીની બે વર્ષની મુદત મુશ્કેલીભરી બની રહે તેમ છે. ડેમોક્રેટસ તેમની બહુમતિને જોરે પ્રમુખના ખરડાઓને નકારી શકવાની સ્થિતિમાં આવી જાય તેમ છે. જે ટ્રમ્પને પ્રમુખ તરીકે માફક આવે તેમ નથી. જો કે, ટ્રમ્પની સહી ન કરવાની ધમકીની શું અસર પડી શકે તે સ્પષ્ટ નથી. જાણકારોના જણાવ્યા અનુસાર જો પ્રતિનિધિસભા અને સેનેટ ખરડો પ્રમુખને મોકલે અને કોંગ્રેસનું સત્ર ચાલુ હોય તો પ્રમુખની સહી વિના પણ દસ દિવસમાં તે ખરડો કાયદો બની જાય છે.

