ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાના જાણીતા સુરક્ષા નિષ્ણાત અને વ્હાઇટ હાઉસના પૂર્વ સલાહકાર રોબર્ટ પેપે ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ પર આકરા પ્રહાર કર્યા છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પેપે ચેતવણી આપી છે કે પ્રમુખ ટ્રમ્પ હાલમાં ઈરાનના ‘જાળ’માં ફસાઈ ગયા છે. જો ટ્રમ્પ ઈરાનમાં પોતાની સેના ઉતારશે, તો તેઓ વધુ મુશ્કેલીમાં મૂકાઈ જશે. તેમના મતે, જો આ યુદ્ધ લાંબુ ખેંચાય અને ઈરાન ઓઇલની દુનિયાનો બેતાજ બાદશાહ બનીને વૈશ્વિક સપ્લાય પર નિયંત્રણ મેળવી લે, તો તે અમેરિકા માટે સૌથી ખરાબ સ્થિતિ હશે, જેનાથી અમેરિકા હંમેશા બચવા માંગતું હતું.

ટ્રમ્પની વ્યૂહનીતિ: હુમલા ધીમા કરવા એ યુદ્ધ ટાળવાનો પ્રયાસ નહીં
પેપે ટ્રમ્પની તાજેતરની ગતિવિધિઓનું વિશ્લેષણ કરતાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ દ્વારા હુમલા ધીમા કરવાનો નિર્ણય યુદ્ધ ટાળવા માટે નથી, પરંતુ તે એક વ્યૂહનીતિ છે. ટ્રમ્પ હાલમાં તે 10 દિવસની રાહ જોઈ રહ્યા છે જેમાં અમેરિકન મરીન (દરિયાઈ સેના) ઈરાન સુધી પહોંચી શકે. પેપના મતે, ટ્રમ્પે હજુ સુધી યુએસ મરીન લઈ જતાં જહાજોને પાછા વળવાનો આદેશ આપ્યો નથી, જે સાબિત કરે છે કે અમેરિકા હજુ પણ આક્રમક મૂડમાં છે. એકવાર આ જહાજો ત્યાં પહોંચી જશે, પછી સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જશે અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનું નિયંત્રણ હોવાથી ઓઇલના ભાવમાં તોતિંગ વધારો થઈ શકે છે, જે વૈશ્વિક મંદીને નોતરી શકે છે.
ઓઇલ પ્રભુત્વની લડાઈ: મિડલ ઈસ્ટમાં અમેરિકાની રણનીતિ પર સવાલ
આ સંઘર્ષના મૂળ કારણો પર પ્રકાશ પાડતાં રોબર્ટ પેપે કહ્યું કે, મિડલ ઈસ્ટમાં અમેરિકાની છેલ્લા 50 વર્ષની વ્યૂહરચનાનો મુખ્ય હેતુ ઓઇલ પર ઈરાનનો દબદબો રોકવાનો રહ્યો છે. અત્યારે ઈરાન ‘ઓઇલ હેજેમન’ (તેલના પ્રભુત્વ) તરીકે ઉભરી રહ્યું છે, જે અમેરિકા માટે ચિંતાનો વિષય છે. હાલમાં આ સ્થિતિનો સૌથી વધુ ફાયદો ઈરાનને મળી રહ્યો છે.
ઈઝરાયલ પર સૈન્ય નિયંત્રણ એ જ શાંતિનો એકમાત્ર રસ્તો
છેલ્લે, પરિસ્થિતિને કાબૂમાં લેવા અંગે તેમણે સૂચવ્યું કે આનો એકમાત્ર રસ્તો ઈઝરાયલને સૈન્ય રીતે નિયંત્રિત કરવાનો છે. પેપે સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પ જ એકમાત્ર એવા નેતા છે જે ઈઝરાયલ પર દબાણ લાવી શકે છે. નેતન્યાહૂ કે ઈઝરાયલના હુમલો ન કરવાના વાદાઓ પર ભરોસો કરી શકાય તેમ નથી, કારણ કે ભૂતકાળમાં પણ તેમણે આવા વાદાઓ તોડ્યા છે અને ઈરાની વાટાઘાટકારની હત્યા પણ કરી છે. આથી, જ્યાં સુધી ઈઝરાયલ પર સૈન્ય નિયંત્રણ નહીં આવે, ત્યાં સુધી શાંતિ શક્ય જણાતી નથી.

