ચીનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત સિચુઆનમાં નવા ઉદ્ઘાટન કરાયેલા હોંગકી પુલ અચાનક તૂટી પડ્યો હતો. એક વિશાળ ભૂસ્ખલનથી પુલનો એક ભાગ નદીમાં વહી ગયો હતો. જેનાથી ધૂળ અને કાટમાળ હવામાં ઉડતા દેખાયા હતા. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે પુલની નીચેની બાજુએ એક વિશાળ ભૂસ્ખલન જોવા મળ્યું હતુ. જેના કારણે પુલના થાંભલા નદીમાં તૂટી પડ્યા હતા. આ પુલ આશરે 758 મીટર લાંબો હતો અને મધ્ય ચીનને તિબેટ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ભાગ હતો.

નજીકના ટેકરીઓ અને રસ્તાઓ પર તિરાડો અને જમીનની ગતિવિધિ જોવા મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓએ પુલ બંધ કરી દીધો હતો. અચાનક પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને મોટા પાયે ભૂસ્ખલનથી પુલનો એક ભાગ નાશ ધરાશાયી હતો. આ ઘટના અંગે પ્રતિક્રિયાઓ અલગ અલગ હતી. કેટલાક લોકોએ કહ્યું કે બાંધકામની ગતિ વિશે બડાઈ મારવાને બદલે, ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અન્ય લોકોએ કહ્યું કે પુલ સંપૂર્ણપણે દોષિત લાગતો નથી. પરંતુ ભૂસ્ખલન વધુ ગંભીર હતું.
પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે ભૂસ્તરશાસ્ત્રીય અસ્થિરતા અકસ્માતનું મુખ્ય કારણ હતું. આ વિસ્તાર ડુંગરાળ અને ભૂસ્ખલન-સંભવિત છે. જ્યાં વિકાસ કાર્ય હંમેશા પડકારજનક રહ્યું છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ ડિઝાઇન અથવા બાંધકામ ખામીઓ જવાબદાર હતી કે કેમ તે નક્કી કરવા માટે તકનીકી તપાસ શરૂ કરવામાં આવી છે.

