અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર સંયુક્ત હુમલા શરૂ રાખ્યા હતા. અમેરિકાએ ઈરાનના કોનાર્ક નેવી બેઝ પર હુમલો કર્યો હતો, તેમાં ઈરાનના ત્રણ યુદ્ધજહાજો ડૂબાડી દીધા હતા. ઈરાને દાવો કર્યો હતો કે અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ૫૫૦થી નાગરિકો માર્યા ગયા છે. અનેક ઈમારતોનો નાશ થયો છે. ઈરાને પણ વળતા હુમલા કર્યા હતા. મધ્ય-પૂર્વમાં જેટલા સ્થળોએ અમેરિકાના લશ્કરી મથકો છે તેને ઈરાને નિશાન બનાવ્યા હતા. ઈરાને સૈન્યની શક્તિ પ્રદર્શન કરવાના ઈરાદાથી એક વીડિયો જાહેર કર્યો હતો. એ વીડિયોમાં અસંખ્ય ડ્રોન અને શસ્ત્રો જોવા મળ્યા હતા. ગમે ત્યારે આ ડ્રોન હુમલો કરવા નીકળી પડશે એવો દાવો એમાં થયો હતો.ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ટ્રમ્પે તેનો મકસદ પૂરો કરવા માટે આખા વિસ્તારને ખતરામાં નાખ્યો છે. અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ૫૫૦થી વધુ ઈરાની નાગરિકોના મોત થયા છે. અલી લારીજાનીએ કહ્યું કે ઈરાને યુદ્ધની પહેલ કરી નથી. ઈરાન માત્ર વળતા હુમલા કરી રહ્યું છે. ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટની પૉલિસીને ઈઝરાયલ ફર્સ્ટની પૉલિસીમાં બદલી નાખ્યું છે. ઈરાનના સરકારી મીડિયાએ એક વીડિયો જાહેર કરીને શસ્ત્રોનું પ્રદર્શન કર્યું હતું. હરોળબદ્ધ ડ્રોન્સ યુદ્ધ માટે તૈયાર હોવાનું એમાં કહેવાયું હતું. તે ઉપરાંત મિસાઈલોનો મોટો જથ્થો એમાં દેખાતો હતો. રોકેટ લોંચર્સ સહિત હથિયારો એમાં દેખાડીને ઈરાન યુદ્ધમાં પાછીપાની નહીં કરે એવું કહેવાયું હતું. ઈરાને દાવો કર્યો હતો કે અમેરિકાએ તેના પરમાણુ મથકો પર પણ હુમલો કર્યો છે અને તેનાથી મોટું જોખમ સર્જ્યું છે.

એક તરફ અમેરિકા-ઈઝરાયલે ઈરાનના ૩૧ પ્રાંતમાંથી ૨૪માં હુમલા કર્યા હતા. તો બીજી તરફ ઈરાને ઈઝરાયલ ઉપરાંત અમેરિકા મધ્યપૂર્વમાં જે સ્થળે સૈન્ય મથકો ધરાવે છે ત્યાં હુમલા કર્યા હતા. મધ્ય-પૂર્વમાં અમેરિકા ૧૯ સ્થળોએ કાયમી લશ્કરી મથકો ધરાવે છે અને અમુક કામચલાઉ મથકો પણ એક્ટિવ છે. એમાંથી ઈરાને આઠ દેશોમાં આવેલા મથકોને નિશાન બનાવ્યા હતા. ઈરાક, જોર્ડન, ઓમાન, કતર, સાઉદી, યુએઈ, ઈજિપ્ત, કુવૈતમાં હુમલા કર્યા હતા. આ દેશોમાં અમેરિકાના ૫૦ હજાર સૈનિકો તૈનાત છે. અમેરિકાના ત્રણ સૈનિકો માર્યા ગયા છે અને ડઝન ઘાયલ થયા છે. ઈરાનના દાવા પ્રમાણે એફ-૧૫ વિમાન તોડી પાડયું છે. કુલ ૨૭ સ્થળોએ ઈરાને હુમલા કર્યા હતા. ઈઝરાયલમાં ઈરાને બેલાસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. એમાં આઠનાં મોત થયા હતા અને ૨૦થી વધુને ઈજા પહોંચી હતી. ઈરાનના સમર્થનમાં હિઝબુલ્લાએ પણ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલે હિઝબુલ્લા પર વળતો હુમલો કર્યો હતો. લેબેનોનના પાટનગર બેરૂતમાં હિઝબુલ્લા પર હુમલાના ભાગરૂપે ઈઝરાયલે હુમલો કર્યો એમાં ૩૧ લોકોનાં મોત થયા હતા. ઈઝરાયલમાં ડ્રોન હુમલા થયા તેની જવાબદારી હિઝબુલ્લાએ લીધી હતી. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન-હિઝબુલ્લાના સામ-સામા હુમલાથી આખાય વિસ્તારમાં મોતનું તાંડવ મચ્યું છે. આખાય મિડલ ઈસ્ટમાં લોકોના જીવ તાળવે ચોંટયા છે. લાખો લોકો પર ગમે ત્યારે હુમલાનું જોખમ છે.
યુદ્ધના આ હાહાકાર વચ્ચે વધુ ત્રણ દેશોએ ઈરાન પર હુમલાની તૈયારી બતાવી છે. અમેરિકાની તરફેણમાં બ્રિટન-ફ્રાન્સ અને જર્મનીએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે પોતાના હિતોના રક્ષણ માટે તે ડિફેન્સિવ એક્શન લેશે. અમેરિકા-ઈઝરાયલ સાથે મળીને કામ કરશે. ઈરાનના હુમલાથી ગલ્ફના દેશો પ્રભાવિત થયા છે. વૈશ્વિક વેપારને અસર થઈ છે. જો યુદ્ધનો દાયરો મોટો થશે તો ઈરાન સામે મોરચો ખોલવાની તૈયારી આ દેશોએ બતાવી છે.

