WORLD : અમેરિકાની સામે પડશો તો માદુરો જેવા હાલ થશે : ટ્રમ્પ

0
34
meetarticle

કારાકાસ/વોશિંગ્ટન: અમેરિકન આર્મી વેનેઝુએલામાં અડધી રાતે આક્રમણ કરીને તેના પ્રમુખ નિકોલસ માદુરોને ઉઠાવી લાવ્યા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, માદુરો સામે અમેરિકન કોર્ટમાં નાર્કો ટેરરિઝમ હેઠળ કેસ ચાલશે. ટ્રમ્પે કોલંબિયા, મેક્સિકોને પણ તેમના ત્યાં ડ્રગ્સની ફેક્ટરીઓ બંધ કરવા ચેતવણી આપી છે. ટ્રમ્પે દુનિયાને ધમકી આપી છે કે  અમેરિકાની સામે પડશો તો માદુરો જેવા હાલ થશે. આ સિવાય વેનેઝુએલામાં ‘સત્તા પલટા’ અંગે ટ્રમ્પે કહ્યું કે, હવે વેનેઝુએલાને અમે ‘ચલાવીશું’, ત્યાંથી ક્રૂડ ઓઈલ ઉત્પન્ન કરીને અન્ય દેશોને વેચીશું. બીજીબાજુ અમેરિકાના હુમલામાં વેનેઝુએલામાં ૪૦ લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે.અમેરિકન આર્મીએ ‘એબ્સોલ્યૂટ રિઝોલ્વ’ નામથી ઓપરેશન ચલાવી વેનેઝુએલામાં આક્રમણ કર્યું અને તેના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નિ સિલિઆ ફ્લોરેસને ન્યૂયોર્ક ઉઠાવીને લઈ ગઈ. નિકોલસ માદુરોને હેલિકોપ્ટરમાં ન્યૂયોર્કના મેનહટન લઈ જવાયા. ત્યાં તેમની સામે નાર્કો ટેરરિઝમ હેઠળ કેસ ચલાવાશે. માદુરોને ન્યૂયોર્કના બૂ્રકલીન જેલમાં કેદ કરાયા છે, જ્યાં અમેરિકાના કુખ્યાત કેદીઓને રાખવામાં આવ્યા છે.

વેનેઝુએલા પર આક્રમણ પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વેનેઝુએલામાં માદુરોની ગેરહાજરીમાં ત્યાં શાસન કોણ સંભાળશે તે અંગે પોતાની યોજના જણાવતા ટ્રમ્પે કહ્યું કે, વેનેઝુએલાને હવે અમે ‘ચલાવીશું’, વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમે ‘સુધારીશું’ અને અન્ય દેશોને વ્યાપક પ્રમાણમાં ઓઈલ વેચીશું. આ સાથે ટ્રમ્પે કોલંબિયા અને મેક્સિકોના પ્રમુખોને પણ તેમના ત્યાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરીઓ બંધ કરવા ચેતવણી આપી હતી. ટ્રમ્પે દુનિયાના દેશોને પણ ધમકી આપી કે અમેરિકન સાર્વભૌમત્વ અને અમેરિકન જીવનને જોખમમાં મુકનારાના માદુરો જેવા હાલ થશે.

ટ્રમ્પ સરકારના વેનેઝુએલા પરના આક્રમણે દુનિયાને ૨૦૦૩માં ઈરાક પર અમેરિકાના આક્રમણ અને સત્તા પલટાની યાદ તાજી કરાવી દીધી હતી. જોકે, કાયદાકીય નિષ્ણાતોએ અમેરિકન કોંગ્રેસને જાણ કર્યા વિના વેનેઝુએલા પર ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીની કાયદેસરતા સામે સવાલો ઉઠાવ્યા છે.

બીજીબાજુ વેનેઝુએલામાં પ્રમુખ માદુરોની ગેરહાજરીમાં ત્યાંની સુપ્રીમ કોર્ટે ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સને વચગાળાના પ્રમુખપદના શપથ અપાવ્યા હતા. રોડ્રિગ્સે અમેરિકાના હુમલાને સામ્રાજ્યવાદી આક્રમણ ગણાવ્યું હતું અને માદુરો અને તેમના પત્ની ફ્લોરેસને તાત્કાલિક છોડી મૂકવા માગ કરી હતી. અમેરિકાની એર સ્ટ્રાઈક પછી વેનેઝુએલામાં ચારેબાજુ ભારે વિનાશના સમાચાર સામે આવી રહ્યા છે. વધુમાં આ હુમલામાં નાગરિકો અને સૈનિકો સહિત કુલ ૪૦ લોકો માર્યા ગયા હોવાનું પણ મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. આ સાથે વેનેઝુએલામાં નિકોલસ માદુરોની તરફેણમાં નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હોવાનું તેના સરકારી મીડિયાએ દાવો કર્યો હતો.

દરમિયાન ટ્રમ્પની ધમકી અંગે વેનેઝુએલાના પડોશી દેશ કોલંબિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ વહેલી સવારે ૩.૦૦ કલાકે ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. કોલંબિયાની સરકાર અને સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ ઘટનાક્રમના દૂરગામી અને અસ્થિર કરનારી અસરો થઈ શકે છે. કોલંબિયા સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. તેણે વેનેઝુએલાને લગતી ૨,૨૧૯ કિ.મી. લાંબી પૂર્વીય સરહદને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here