ભારતીય મૂળના અમેરિકન વિશ્લેષક અને દક્ષિણ એશિયા પોલિસી પર લાંબા સમય સુધી સલાહકાર રહેલા એશ્લે ટેલિસની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે તેમણે ખાનગી દસ્તાવેજો પોતાની પાસે રાખીને ચાઇનીઝ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી જાણકારીઓ ગેરકાયદે રીતે રાખવાનો આરોપ છે.

હવે એશ્લે જો આ કેસમાં દોષિત ઠરે તો તેમને ૧૦ વર્ષની સજા અને ૨.૫ લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવી શકે છે. અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યું હતું કે ટેલિસના વર્જિનિયા સ્થિત ઘરમાંથી હજારો પાનાના ટોપ સીક્રેટ દસ્તાવેજો મળ્યા છે. આ દસ્તાવેજ તેના વિયેના સ્થિત ઘરમાં રાખવામાં આવ્યા હતા.ટેલિસની ધરપકડ ગયા અઠવાડિયે થઈ હતી અને સોમવારે તેના પર આરોપનામુ ઘડવામાં આવ્યું હતું. એફબીઆઇના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે સ્ટેટ ડિપાર્ટમેન્ટના અનપેઇડ એડવાઇઝર અને પેન્ટાગોનની ઓફિસ ઓફ નેટ એસેસમેન્ટના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા.
એશ્લે ટેલિસ કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના રિસર્ચ ફેલો પણ છે. તેમણે ૨૦૦૧માં અમેરિકન સરકાર સાથે જોડાઈને રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને વહીવટીતંત્રને ભારત અને દક્ષિણ એશિયા અંગે સલાહ આપી હતી. એશ્લે ટેલિસ મુંબઈમાં જન્મેલા છે અને સેન્ટ ઝેવિયર્સમાં અભ્યાસ કર્યો છે. તેના પછી તેમણે શિકાગો યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ સાથે એમએ અને પીએચડી ્કર્યુ. તે વર્ષો સુધી યુએસ-ઇન્ડિયા-ચાઇના પોલિસીના પ્રભાવશાળી વિશ્લેષકોમાં એક ગણાતા રહ્યા છે. વર્તમાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તેમની પ્રથમ ટર્મમાં એશ્લે ટેલિસને ભારત ખાતે રાજદૂત બનાવવા માંગતા હતા.
કોર્ટ રેકોર્ડ મુજબ સપ્ટેમ્બર અને ઓક્ટોબર ૨૦૨૫માં ટેલિસ ડિફેન્સ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટના બિલ્ડિંગ્સમાંથી ખાનગી દસ્તાવેજ લઈને નીકળ્યા હતા. પ્રિન્ટ કાઢી હતી અને ઘેર લઈ ગયા હતા. સર્વેલન્સ ફૂટેજમાં તે એક લેધર બ્રીફકેસમાં ઇમારતની બહાર જતાં દેખાયા હતા. એફબીઆઈ મુજબ ટેલિસની પાસે ટોપ સીક્રેટ સિક્યોરિટી ક્લિયરન્સ હતી અને તે સેન્સિટિવ કમ્પાર્ટમેન્ટ ઇન્ફોર્મેશન સુધી પહોંચ રાખતા હતા.
આ મામલો પેચીદો ત્યારે થયો જ્યારે ટેલિસે છેલ્લા કેટલાક વર્ષમાં ચીનના અધિકારીઓ સાથે મુલાકાત કરી. એફબીઆઈનો દાવો છે કે ૧૫ સપ્ટેમ્બરના રોજ વર્જિનિયાના ફેરફેક્સ સ્થિત રેસ્ટોરામાં ટેલિસે ચીનના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમને એક મનીલા એન્વેલપ સાથે અંદર જતાં અને પછી તેના વગર બહાર આવતા જોવા મળ્યા. આ રીતે એપ્રિલ ૨૦૨૩માં વોશિંગ્ટન ડીસીના પરાવિસ્તારમાં થયેલી બેઠકમાં પાસે બેઠેલા લોકોએ સાંભળ્યું કે ટેલિસ અને ચીની અધિકારી એઆઇ અને ટેકનિકલો અને ઇરાન-ચીન સંબંધો પર ચર્ચા કરી રહ્યા છે. દસ્તાવેજોમાં તે પણ ઉલ્લેખ હતો કે ટેલિસને બીજી સપ્ટેમ્બરના રોજ ચીની અધિકારીઓ પાસેથી ગિફ્ટ બેગ પણ મળી હતી.

