અમેરિકામાં શટડાઉનના કારણે ફેડરલ ગવર્નમેન્ટના સાડા સાત લાખથી વધુ કર્મચારીઓની સાડા સાતી બેસી ગઈ છે. હવે આ શટડાઉન કેટલું ચાલે તે કહી શકાય નહી, અમેરિકન અર્થતંત્ર આના પગલે હાલમાં અનિશ્ચિત સ્થિતિમાં પ્રવેશ્યું છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળ વખતે પણ શટડાઉન આવ્યું હતું અને ૩૫ દિવસ ચાલ્યું હતું. અત્યાર સુધીનું તે સૌથી લાંબુ ચાલેલુ શટડાઉન કહેવાય છે. અમેરિકન સરકારના તેના ફંડિંગ કાર્યક્રમને ચલાવવા માટે ૬૦ મત જોઈતા હતા અને તેની સામે તેને ૫૫ મત જ મળતા શટડાઉન થયું હતું. સ્પેન્ડિંગ બિલ પાસ કરાવવામાં નિષ્ફળ ગયા પછી ટ્રમ્પ સરકારને ૨૧ નવેમ્બર સુધી ફંડિંગ માટે મંજૂરી આપતું બિલ લાવવામાં આવ્યું હતું. તેની સાથે જ ફંડિંગની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. તેના કારણે સરકાર હવે કોઈ ખર્ચ નહીં કરી શકે. તેના કારણે ફેડરલ ગવર્નમેન્ટના બધા કામકાજ રોકાઈ જશે.

અમેરિકાના આ શટડાઉનની તેના અર્થતંત્ર પર રાષ્ટ્રવ્યાપી અસર પડશે. રાષ્ટ્રીય સ્તરે જંગી ખરીદશક્તિ પર અસર પડશે તેમ માનવામાં આવે છે. આમ મંદીના આરે આવેલા અમેરિકન અર્થતંત્રને શટડાઉને મોટો ફટકો માર્યો હોવાનું કહેવાય છે. અમેરિકન અર્થતંત્ર અનિશ્ચિતતાના એક નવા જ તબક્કામાં પ્રવેશી ચૂક્યું હોવાનું કહેવાય છે. રાજકીય સમીક્ષકો ઘણા મજાકમાં કહે છે કે ટ્રમ્પે લાદેલા ટેરિફથી થયેલી આવક બધી શટડાઉનમાં વપરાઈ જશે. શાસક રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચે બજેટને લઈને બરોબરની જામી પડી છે. ડેમોક્રેટ્સ એફોર્ડેબલ કેર એક્ટ હેઠળ હેલ્થકેર સબસિડીઝ માટે ભંડોળ જારી કરવા પર ભાર મૂકી રહ્યા છે. તેની સામે શાસક પક્ષ રિપબ્લિકન તેનો ઇન્કાર કરી રહ્યું છે. હાલમાં તો રિપબ્લિકનોએ તો કોઈપણ રીતે આગળ મંત્રણા કરવાનો ઇન્કાર કર્યો છે. તેના કારણે હવે મંત્રણાનો દોર સીધો ટ્રમ્પે હાથમાં લીધો છે. વ્હાઇટ હાઉસમાં મીટિંગ પછી ટ્રમ્પે ડેમોક્રેટિક લીડરશિપની મજાક કરતો કાર્ટૂનિશ ફેક વિડીયો સોશિયલ મીડિયા પર મૂકતા ડેમોક્રેટ્સ ગીન્નાયા હતા.
આ શટડાઉનની અસરોમાં જોઈએ તો સરકાર શુક્રવારે મન્થલી જોબ રિપોર્ટ આપવાની હતી, આ પ્રકારનો જોબ રિપોર્ટ તે ન આપી શકે. કેટલાય સરકારી કર્મચારીઓએ લાંબા સમય સુધી વેતન વગર કામ કરવાનો સમય આવે. ફેડરલ વર્કરોની સામૂહિક છટણી કરવામાં આવે. કેટલાય વિભાગોએ ફંડિંગની સમસ્યાનો સામનો કરવો પડે. વિભાગીય ફંડ ફાળવણી પણ અટકી પડે. હાલમાં તો ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંને જણા શટડાઉનને લઈને એકબીજા પર દોષારોપણ કર્રી રહ્યા છે.
અમેરિકામાં સરકારનું શટડાઉન એટલે શું ,તે ક્યારે થાય?
વોશિંગ્ટન : અમેરિકામાં સરકારી શટડાઉન ત્યારે થાય છે જ્યારે કોંગ્રેસ સંઘીય એજન્સીઓને ચલાવવા માટે વાર્ષિક ખર્ચ ખરડા પર સંમત ન થઈ શકે. એન્ટિડેફિશિયન્સી એક્ટ એજન્સીઓને મંજૂરી વગર ખર્ચ કરતાં રોકે છે. તેથી જ્યારે ડોલર ખતમ થઈ જાય છે ત્યારે સરકારનું કામકાજ પણ થંભી જાય છે. અમેરિકન સરકારના જુદાં-જુદાં વિભાગને ચલાવવા માટે મોટા પ્રમાણમાં ભંડોળની જરૂર હોય છે. તેના માટે સંસદ એટલે કે યુએસ કોંગ્રેસમાં બજેટ અથવા ફંડિંગ બિલ મંજૂર કરાવવું જરૂરી હોય છે, પરંતુ રાજકીય મતભેદ કે મડાગાંઠના કારણે નિયત સમયમર્યાદામાં ફંડિંગ બિલ મંજૂર થઈ શકતું નથી ત્યારે સરકાર પાસે પણ કાયદેસર ધોરણે ખર્ચ કરવાનું ભંડોળ વધતું નથી. આ સંજોગોમાં અમેરિકન સરકારને તેની અનાવશ્યક સેવાઓ બંધ કરવી પડે છે. તેને સરકારી શટડાઉન કહેવાય છે. તે અસ્થાયી જ હોય છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં ૩૫ દિવસ દરમિયાન લગભગ સાડા ત્રણ લાખ કર્મચારીઓને રજા પર મોકલવામાં આવ્યા હતા. જ્યારે બાકીના કર્મચારીઓએ શટડાઉન ફરીથી ખૂલ્યું ત્યાં સુધી વગર વેતને કામ કર્યુ હતું.

