અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફર્નિચર અને ફિલ્મ ઉદ્યોગને લક્ષ્યાંક બનાવતા તેના પર ૧૦૦ ટકા ટેરિફ લાદીને તેમના વેપાર યુદ્ધને વધુ તીવ્ર બનાવ્યું છે. તેમનું પગલુ લાંબા સમયથી ચાલી આવતા અમેરિકા ફર્સ્ટના નારા હેઠળ સ્થાનિક ઉત્પાદન અને મનોરંજન ક્ષેત્રમાં રોજગાર ઊભા કરવાના વ્યાપક અભિયાનનો હિસ્સો છે. ટ્રમ્પના દાવા મુજબ વિદેશી ફર્નિચર ઉત્પાદકોને કારણે સ્થાનિક ઉદ્યોગ નાશ પામી રહ્યો છે તેમજ વિદેશી ફિલ્મ સર્જકો અમેરિકાની ઉપેક્ષા કરી રહ્યા છે. પોતાના જ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા ટ્રમ્પે ઉત્તર કેરોલિનાના એકસમયે ધમધમતા ફર્નિચર ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને દાવો કર્યો કે ચીની અને વિદેશી સ્પર્ધાએ તેને ખતમ કરી નાખ્યું છે. તેમણે ખાતરી આપી કે અમેરિકામાં ઉત્પાદન ન કરતા હોય તેવા દેશોમાંથી આયાત થતા ફર્નિચર પર ભારે ટેરિફ લાદવામાં આવશે, જો કે તેમણે આ બાબતે કોઈ સમયસીમા અથવા અમલીકરણની વિગતો જાહેર નથી કરી.

થોડી મિનિટો પછી ટ્રમ્પે તેમનું ધ્યાન હોલીવૂડ તરફ કેન્દ્રિત કર્યું અને વિદેશી ફિલ્મ સર્જકો પર અમેરિકાના વૈશ્વિક પ્રભાવની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો. આ બાબતને બાળક પાસેથી ચોકલેટ આંચકી લેવા જેવી ચોરી ગણાવીને ટ્રમ્પે વિદેશમાં બનતી તમામ ફિલ્મો પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેના લીધે ભારતીય ફિલ્મો પર અસર પડી શકે છે. એક સમયે અમેરિકામાં ભારતીય ફિલ્મોની કમાણી બે મિલિયન ડોલર જેટલી હતી, જે હાલમાં ૨૦ મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. અગાઉ મે મહિનામાં ટ્રમ્પે આ વિચાર રજૂ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે અમેરિકાનો ફિલ્મ ઉદ્યોગ ઝડપથી મરી રહ્યો છે. એ સમયે તેમણે જણાવ્યું કે વેપાર વિભાગ તેમજ અમેરિકી વેપાર પ્રતિનિધિમંડળને ટેરિફ માળખા વિશે વિચાર કરવાની સત્તા આપવામાં આવી હતી.આ જાહેરાતો ટ્રમ્પની અગાઉની યોજનાઓ પછી આવી છે જેમાં તેમણે દવા, કિચન કેબિનેટ, બ્રાન્ડેડ ફર્નચિર તેમજ ભારે ટ્રકો પર પચ્ચીસથી સો ટકા ટેરિફ લાદી હતી. નોંધનીય છે કે તેમણે કંપનીઓ સ્થાનિક ઉત્પાદન ન કરે તો બ્રાન્ડેડ દવાઓ પર સો ટકા ડયુટી લાદવાની ધમકી આપી હતી.
આ દરખાસ્તો ટ્રમ્પના અમેરિકાના આથક સ્વતંત્રતાને ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસને પ્રકાશિત કરે છે, પરંતુ વ્યવસાયો આ ટેરિફની વ્યવહારિકતા, અવકાશ અને અમલીકરણ અંગે આશંકિત છે. ઉદ્યોગ નિરીક્ષકોએ ચેતવણી આપી છે કે આવા વ્યાપક પગલાં વૈશ્વિક વેપાર સંબંધોને વિક્ષેપિત કરી શકે છે.

