ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થઈ રહેલી મંત્રણા લગભગ નિષ્ફળ દેખાતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક જબરજસ્ત નિવેદન પ્રસિદ્ધ કર્યું છે. તેઓએ કહ્યું છે કે, ‘જો ઈરાન ઝુકશે નહીં તો મારી પાસે ટ્રમ્પ-કાર્ડ છે.’ પ્રમુખે આ સાથે એક ન્યૂઝ વેબસાઇટની લિંક શેર કરી છે. તેમાં તેઓએ પહેલાં વેનેઝુએલા પર નેવલ-બ્લોકેડ (ઘેરાબંધી) કરી હતી તેવી ઘેરાબંધી ઈરાન પર કરવાની ધમકી ઉચ્ચારી છે.

ઈરાને હોર્મુઝ સ્ટ્રેઈટસમાં નાકાબંધી કરી દુનિયાનો તેલ પૂરવઠો ૨૦ ટકા જેટલો કાપી નાખ્યો છે. તેથી દુનિયાભરમાં અમેરિકા સહિત દરેક દેશોમાં મોંઘવારી માઝા મુકતી જાય છે. ઈરાન હોર્મુઝ ઉપરનો તેનો કાબુ રાખવા મક્કમ છે. તે હોર્મુઝમાંથી પસાર થતાં આવતાં-જતાં બંને વહાણો સ્ટીમરો અને તેલવાહક જહાજો પર ટેક્ષ તો લેવા માગે જ છે. સાથે ક્યા દેશનાં જહાજોને આવવા દેવા કે જવા દેવા તે પણ ઈરાની અધિકારીઓ નક્કી કરશે.હવે ટ્રમ્પે નિર્ણય કર્યો છે કે ઈરાનની સખત નાકાબંધી કરવી તેનું તેલ બહાર જવા જ ન દેવું કે કોઈ તેલવાહક જહાજ તેલ લેવા જાય તો તેને જવા ન દેવું.
ઈરાનનું ૮૦ ટકા અર્થતંત્ર તેલ આધારિત છે. જો આ નાકાબંધી થાય તો અત્યારે જે બિસ્માર બની ગયેલા ઈરાનનાં અર્થતંત્ર ઉપર આપત્તિ જ તૂટી પડે.
ઈરાનની નાકાબંધી કરવા ડોનાલ્ડ ટ્રમ્પે અરબી સમુદ્રમાં બે પ્રચંડ વિમાનવાહક જહાજો ‘અબ્રાહ્મલિંકન’ અને ‘જેરાલ્ડ ફોર્ડ’ તેના સાથી યુદ્ધ જાહાજો સાથે ઈરાનની જળસીમાથી થોડે જ દૂર અરબી સમુદ્રમાં પહેરો ભરી રહ્યાં છે. ઈરાનનું ખાડે ગયેલું અર્થતંત્ર તદ્દન પડી ભાંગવાની પરિસ્થિતિ થઈ છે. આમ ટ્રમ્પે તેનું ટ્રમ્પ-કાર્ડ ઉતાર્યું છે.

