WORLD : ઈરાનમાં વોટર પ્લાન્ટ પછી હવે ઓઈલ ડેપો, રિફાઈનરીઓ પર હુમલો

0
14
meetarticle

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતું યુદ્ધ ૯મા દિવસે વધુ ખતરનાક બન્યું છે. ઈરાનની ટોચની નેતાગીરી અને આર્મી કમાન્ડર્સનો સફાયો કર્યા પછી હવે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનની લાઈફલાઈન પર પ્રહાર શરૂ કર્યા છે. ઈરાનના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર હુમલાના બીજા દિવસે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના ઓઈલ ડેપો અને રિફાઈનરીઓ પર હુમલા શરૂ કર્યા છે. આ હુમલાના પગલે તહેરાનમાં કાળા ધૂમાડાના વાદળો છવાઈ ગયા છે. આ ધુમાડાના કારણે ઈરાનમાં એસિડના વરસાદની ચેતવણી અપાઈ છે. ઈરાને પણ અમેરિકાના સાથી દેશ બહરીનના વોટર પ્લાન્ટ અને ઈઝરાયેલમાં અનેક સ્થળે મિસાઈલમારો ચાલુ રાખ્યો છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન હારી ગયું હોવાના દાવાઓ વચ્ચે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર મરણતોલ ફટકા મારવાનું ચાલુ રાખ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલે હવે ઈરાનની લાઈફલાઈન ગણાતા વોટર પ્લાન્ટ, ઓઈલ ડેપો અને રિફાઈનરીઓ પર હુમલા શરૂ કર્યા છે. 

દક્ષિણ તહેરાન અને ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં સ્થિત શહરાન ઓઈલ ડેપો પર મિસાઈલો ઝીંકવામાં આવી હતી, જેના કારણે તહેરાનના અનેક ભાગોમાં કાળા ધૂમાડા છવાઈ ગયા હતા. આ ધુમાડા એટલા ગાઢ હતા કે તેના વાદળો રચાયા હતા અને સૂરજ પણ દેખાતો નહોતો. આ ધુમાડાના કારણે હવા પણ ખરાબ થઈ ગઈ હતી. ઈરાનની પર્યાવરણ એજન્સીએ કહ્યું કે ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચવાથી ઝેરી તત્વો હવામાં ફેલાઈ ગયા છે. તેથી એસીડના વરસાદની આશંકા સેવાઈ રહી છે. સરકારે લોકોને બીનજરૂરી બહાર નહીં નીકળવા ચેતવણી આપી છે.

ઈરાનના અર્થતંત્રને તોડી પાડવા અને તેની સૈન્ય ક્ષમતાઓની કમર તોડી નાંખવા સમજી-વિચારીને ઈરાનના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરાયા છે. ટ્રમ્પે ઈરાન પર વધુ ઘાતક હુમલા કરવાની ચેતવણી આપી હતી તેવા સમયે આ હુમલા કરાયા છે. 

આ સિવાય અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના વોટર પ્લાન્ટ પર હુમલા કર્યા હોવાથી પીવાના પાણીનું સંકટ ઊભું થવાનું પણ જોખમ છે. વધુમાં તહેરાનના નીલોફર સ્ક્વેર વિસ્તારમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ૨૦ નાગરિકો માર્યા ગયા હતા. આ સાથે ઈરાનમાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ બાળકો અને ૨૦૦થી વધુ મહિલાઓ સહિત કુલ ૧૩૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.બીજીબાજુ ઈઝરાયેલે આ યુદ્ધના બીજા મોરચા પર લેબેનોનના દક્ષિણ ભાગ અને બેરુતમાં પણ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં લેબેનોનમાં ૮૩ બાળકો સહિત ૪૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. ઈઝરાયેલે ઈરાન સમર્થિત આતંકી સંગઠન હિઝબુલ્લા પર હુમલા કરતા દક્ષિણ તહેરાનમાં હજારો લોકોને ઉત્તર લેબેનોનમાં સ્થળાંતર કરવા ફરમાન કર્યું છે.

દરમિયાન ઈરાને પણ ઓપરેશન ટ્રુ પ્રોમીસ-૪ હેઠળ અમેરિકાના સૈન્ય સ્થળો અને ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલો અને કામિકેજ ડ્રોનથી હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો છે કે તેમણે સોલિડ ફ્યુઅલથી સજ્જ મિસાઈલોથી ઈઝરાયેલ પર હુમલા શરૂ કર્યા છે. વધુમાં ઈરાને બહરીનમાં અમેરિકન નેવીના પાંચમા બેડા પર ભયાનક હુમલા કરતા ૨૧ સૈનિકો માર્યા ગયા છે. ઈરાને પણ બહરિનમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. આઈઆરજીસીએ દાવો કર્યો કે તેના હુમલાઓમાં અમેરિકાના કુલ ૨૦૦થી વધુ સૈનિકો માર્યા ગયા છે.

આ સિવાય ઈરાને યુએઈ પર ૧૧૬ બેલિસ્ટિક મિસાઈલો અને ૧૧૭ ડ્રોન ઝીંક્યા હતા. સાથે જોર્ડનના એરબેઝને પણ નિશાન બનાવતા ભારે નુકસાન પહોંચાડયું હતું. વધુમાં ઈરાને શરણાગતિની અમેરિકા-ઈરાનની ઓફર નકારી કાઢી છે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે તેઓ અમેરિકા અને ઈઝરાયેલ આક્રમણનો કાયમી અંત લાવવા માગે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here