ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયલની સંયુક્ત લશ્કરી કાર્યવાહી ‘ઓપરેશન એપિક ફ્યુરી’ (Operation Epic Fury)એ તેહરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈને ખતમ કરીને એક મોટું લક્ષ્ય તો હાંસલ કરી લીધુ છે, પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનમાં સત્તા પરિવર્તનનું સ્વપ્ન હવામાં લટકતું નજર આવી રહ્યું છે. વોશિંગ્ટન પોસ્ટની એક તાજેતરની રિપોર્ટ અને અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ આ ઓપરેશનની સફળતા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે.

યુએસ ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સ પ્રમાણે ભલે અમેરિકાએ મોટા પાયે હવાઈ અને નૌકાદળના હુમલાઓ કર્યા હોય પરંતુ ઈરાનનું લશ્કરી અને ધાર્મિક માળખું એટલું ઊંડું અને સંસ્થાકીય છે કે તેને માત્ર હુમલાઓથી ધ્વસ્ત કરવું અશક્ય લાગે છે. નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલ (NIC) દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનની વ્યવસ્થામાં સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયાઓ પહેલાથી જ સ્થાપિત છે, જે સુપ્રીમ લીડરની ગેરહાજરીમાં પણ કાર્યરત રહેશે.બ્રૂકિંગ્સ ઈન્સ્ટિટ્યૂશનના નિષ્ણાત સુઝાન મલોનીના મતે, ‘ઈરાની સંસ્થાઓ અને તેમની પ્રક્રિયાઓ દાયકાઓથી સ્થાપિત છે. આ સિસ્ટમ અમેરિકાના દબાણ છતાં પોતાની આંતરિક પકડ જાળવી રાખવામાં સક્ષમ રહી છે.’
ઈરાનમાં ઉત્તરાધિકારની જંગ
સુપ્રીમ લીડરના મોત બાદ ઈરાનમાં ઉત્તરાધિકારની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અસેમ્બલી ઓફ એક્સપર્ટસ (ધાર્મિક પરિષદ) આગામી નેતાની પસંદગી કરશે, જેમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની ભૂમિકા નિર્ણાયક રહેશે. એવી ચર્ચા છે કે દિવંગત નેતાના પુત્ર, મોજતબા ખામેનેઈ સત્તા સંભાળી શકે છે, જોકે અલી લારીજાની જેવા વરિષ્ઠ નેતાઓ આનો વિરોધ કરી રહ્યા છે.
બીજી તરફ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાન પાસે બિનશરતી આત્મસમર્પણની માગ કરી છે. તેમણે મોજતબા ખામેનેઈને અસમર્થ ગણાવતા સંકેત આપ્યો છે કે, ઈરાનના આગામી નેતાની પસંદગીમાં તેમની ભૂમિકા હોવી જોઈએ. ટ્રમ્પના આ નિવેદન પર ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકીર કલીબાફે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઈરાનનું ભાગ્ય માત્ર ઈરાની જનતા નક્કી કરશે, કોઈ બાહરી ગેંગ નહીં.
યુદ્ધનું વિસ્તરણ
યુદ્ધ હવે બીજા અઠવાડિયામાં પ્રવેશ કરી ચૂક્યું છે અને તેનો દાયરો હિંદ મહાસાગરથી લઈને નાટો સભ્ય તુર્કીયેની સરહદો સુધી ફેલાયેલો છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ દાવો કર્યો છે કે, ઈરાની શાસનને કચડી નાખવામાં આવી રહ્યું છે અને અમારું પ્રાથમિક લક્ષ્ય તેના બેલિસ્ટિક મિસાઈલ તથા પરમાણુ કાર્યક્રમોને તબાહ કરવાનું છે. જોકે, જમીની વાસ્તવિકતા કંઈક અલગ જ સ્ટોરી કહે છે.
અત્યાર સુધી ઈરાનની અંદર કોઈ મોટો લોક બળવો કે ઈરાનના સુરક્ષા દળોમાં ભંગાણના કોઈ સંકેતો નથી મળ્યા. ગુપ્તચર રિપોર્ટ પ્રમાણે ઈરાનનો વિખેરાયેલો વિપક્ષ હાલમાં સત્તા સંભાળવાની સ્થિતિમાં નથી. નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાની નેતૃત્વ માટે ટ્રમ્પ સમક્ષ નમવું તેમની વિચારધારાની સંપૂર્ણ વિરુદ્ધ છે.અમેરિકન ગુપ્તચર સમુદાયની 18 એજન્સીઓનો સામૂહિક નિષ્કર્ષ એ છે કે, માત્ર બોમ્બમારાથી સત્તા પરિવર્તન નહીં થશે. જ્યાં સુધી ઈરાની શાસનનો સંપૂર્ણપણે પતન ન થાય ત્યાં સુધી પ્રમુખ ટ્રમ્પ પાસે ઈરાનના રાજકીય ભવિષ્યને પ્રભાવિત કરવા માટે મર્યાદિત વિકલ્પો રહેશે. હાલમાં સમગ્ર વિશ્વની નજર અસેમ્બલી ઓફ એક્સપર્ટસ પર છે કે તેઓ આ સંકટના સમયમાં દેશનું નેતૃત્વ કોને સોંપશે.

