WORLD : ઈરાનમાં સ્પેશિયલ કમાન્ડો મોકલી યુરેનિયમ કબજે લેવા ટ્રમ્પની તૈયારી

0
22
meetarticle

ઈરાનને પરમાણુ હથિયારો બનાવતું રોકવા માટે અમેરિકા અને ઈઝરાયેલે તહેરાન પર આક્રમણ કરી શરૂ કરેલું યુદ્ધ ૨૨મા દિવસમાં પ્રવેશી ગયું છે અને હવે આ યુદ્ધ ક્યારે પૂરું થશે તે અનિશ્ચિત છે. આવા સમયે હવે ટ્રમ્પ સરકારે જેના માટે આ યુદ્ધ શરૂ કર્યું હતું તે પરમાણુ હથિયારો બનાવવા માટે જરૂરી ૬૦ ટકા સંવર્ધિત થયેલું ૪૪૦ કિલો યુરેનિયમ ઈરાનના પરમાણુ એકમોના કાટમાળમાંથી કાઢી લાવી જપ્ત કરવા માટે ઈસ્ફહાનમાં અમેરિકાની સ્પેશિયલ કમાન્ડો મોકલવાની યોજનાના અમલ પર વિચારણા શરૂ કરી છે.અમેરિકન મીડિયાના રિપોર્ટ મુજબ ટ્રમ્પ સરકારે ઈરાનની પરમાણુ સામગ્રીને બહાર કાઢવાના વિકલ્પો અને રણનીતિઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, આ સંભવિત ઓપરેશનનો સમય હજુ સ્પષ્ટ નથી તેમજ પ્રમુખ ટ્રમ્પે આ અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી, પરંતુ માનવામાં આવે છે કે આવું કોઈ અભિયાન થશે તો તેમાં અમેરિકાની સૌથી એલીટ સૈન્ય ટુકડી જોઈન્ટ સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડની ફોર્સને તૈનાત કરવામાં આવી શકે છે. આ ટુકડીને દુનિયાના સૌથી ખતરનાક, સંવેદનશીલ અને ગુપ્ત અભિયાનોની જવાબદારી સોંપાય છે.

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (આઈએઈએ)ના અહેવાલ મુજબ ઈરાને ગયા વર્ષ સુધીમાં ૬૦ ટકા સુધી સંવર્ધિત યુરેનિયમનો લગભગ ૯૭૨ પાઉન્ડનો હિસ્સો એકત્ર કરી લીધો હતો. આ સ્તર પરમાણુ હથિયાર બનાવવા યોગ્ય પરમાણુ સામગ્રીથી માત્ર એક પગલું દૂર છે. જોકે, આ યુરેનિયમનો એક મોટો ભાગ ઈસ્ફહાનમાં પરમાણુ એકમના કાટમાળ નીચે દબાયેલો છે, જ્યાં ગયા વર્ષે અમેરિકા અને ઈઝરાયેલે ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ હેઠળ બોમ્બમારો કર્યો હતો.આઈએઈએના મહાનિર્દેશક રાફેલ ગ્રોસીએ ચેતવણી આપી છે કે આ પ્રકારનું મિશન અશક્ય નથી, પરંતુ તેના માટે અવિશ્વસનીય સૈન્ય ક્ષમતાઓની જરૂર પડશે. ઈરાનના પરમાણુ સામગ્રીમાં ૬૦ ટકા સંવર્ધિત યુરેનિયમ હેક્સાફ્લોરાઈડ ગેસવાળા સિલિન્ડરનો સમાવેશ થાય છે, જેને સંભાળવા ખૂબ જ ખતરનાક અને મુશ્કેલ છે.

વ્હાઈટ હાઉસનાં પ્રેસ સચિવ કેરોલીન લેવિટે સ્પષ્ટ કર્યું હતું કે, ટ્રમ્પ સરકારે ઈરાનનો યુરેનિયમનો ભંડાર જપ્ત કરવાની યોજનાનો ઈન્કાર નથી કર્યો અને તે ટ્રમ્પ માટે વિચારણા હેઠળના વિકલ્પોમાંથી એક છે. પરંતુ તેમણે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય કર્યો નથી. જોકે, કનેટિકટના ડેમોક્રેટિક સેનેટર રિચાર્ડ બ્લુમેન્થાલ જેવા કેટલાક ડેમોક્રેટિક સાંસદોનું કહેવું છે કે તેમને ભય છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ દેશને એવા માર્ગે લઈ જઈ રહ્યા છે, જ્યાં અમેરિકન દળોને ઈરાનની જમીન  પર મોકલવાની જરૂર પડશે. તેમણે દાવો કર્યો કે ટ્રમ્પ ઈરાન પર આક્રમણ મુદ્દે તેમના હેતુઓ અંગે અસ્પષ્ટ છે.

બીજીબાજુ સંવર્ધિત યુરેનિયમને સુરક્ષિત નહીં રાખવાનું કામ પણ જોખમી છે. અમેરિકા અને ઈઝરાયેલના આ આક્રમણ, ઈરાનની ટોચની નેતાગીરીના સફાયા પછી હવે ઈરાનના કટ્ટરવાદી શાસકો સંવર્ધિત યુરેનિયમ સાથે સત્તા પર રહેશે તો તેમને હવે પરમાણુ હથિયારો બનાવવાનું કારણ મળી ગયું છે, જે મધ્ય-પૂર્વ અને દુનિયામાં શાંતિ માટે જોખમી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here