WORLD : કેનેડા ભારતીયોની સામૂહિક હકાલપટ્ટી કરશે

0
34
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝા ફી વધારીને ભારતીય પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં સ્થાયી થવાનું સપનું સાકાર કરવું મુશ્કેલ બનાવી દીધું છે. હવે કેનેડા પણ અમેરિકાના રસ્તે ચાલ્યું છે. કાર્ની સરકારે સંસદમાં એક અનામત બિલ મારફત કામચલાઉ વિઝા રદ કરીને હજારો ભારતીયોની ગમે ત્યારે સામૂહિક હકાલપટ્ટી કરવા માટેની શક્તિ માગી છે. એટલું જ નહીં આ બિલ મારફત ભારતીયોને કાઢી મૂકવા માટે અમેરિકન એજન્સીઓની મદદ મેળવવાની પણ દરખાસ્ત કરાઈ છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવ્યા પછી હજારો ગેરકાયદે ભારતીય વહાસતીઓની હકાલપટ્ટી કરવાની સાથે ભારતીયો માટે અમેરિકાના વિઝા મેળવવાનું મુશ્કેલ બનાવવા તેમના વિઝા નિયમો આકરા બનાવી દીધા છે. એચ-૧બી વિઝા ફીમાં પણ તોતિંગ વધારો કર્યો છે. હવે કેનેડા સરકારે એક પેન્ડિંગ બિલ હેઠળ કામચલાઉ વિઝાને સામૂહિક રીતે રદ કરવાની શક્તિ ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓને આપવા સંસદ સમક્ષ માગ કરી છે.

સૂચિત કાયદા હેઠળ કેનેડા સરકાર ભારત અને બાંગ્લાદેશમાંથી થતી બનાવટી અરજીઓને ઓળખીને તેને રદ કરવા માટે અમેરિકન સંસ્થા સાથે ભાગીદારી કરી શકે છે. મીડિયા અહેવાલ મુજબ ઈમિગ્રેશન, રેફ્યૂજી અને નાગરિક કેનેડા, કેનેડા સીમા સેવા એજન્સી અને અમેરિકન વિભાગોના સહયોગથી કેનેડામાં કામચલાઉ વિઝાના માસ કેન્સલેશન એટલે કે સામૂહિક રીતે વિઝા રદ કરવાની જોગવાઈનો ઉપયોગ ભારતમાંથી થતી અરજીઓમાં છેતરપિંડી રોકવા માટે કરી શકાય છે.

સૂચિત કાયદામાં ભારત અને બાંગ્લાદેશને વિશેષરૂપે પડકારજનક તરીકે સૂચીબદ્ધ કરાયા છે. ઈમિગ્રેશન મંત્રી લીના ડાયબે સ્વીકાર્યું છે કે આ બિલ મહામારી અને યુદ્ધ જેવી સ્થિતિઓમાં સરકારને કામચલાઉ વિઝા કોઈપણ સમયે રદ કરવાની શક્તિ આપે છે. જોકે, મીડિયા રિપોર્ટ મુજબ આ બિલ મારફત કેનેડાના અધિકારીઓ માત્ર ભારત અને બાંગ્લાદેશના વિઝાધારકોને નિશાન બનાવવા માગે છે. કેનેડામાં કામચલાઉ વિઝા મેળવનારાઓમાં પ્રોફેશનલ્સ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

સૂચિત કાયદાની જોગવાઈઓને કેનેડાની સરહદોને સશક્ત બનાવતા કાયદા તરીકે રજૂ કરાઈ છે. વડાપ્રધાન માર્ક કાર્ની સરકાર આ મહિને તેનો ઈમિગ્રેશન લેવલ્સ પ્લાન જાહેર કરવાની છે. સરકાર પર દેશમાં વધતા એન્ટી-ઈમિગ્રેશન વાતાવરણ વચ્ચે વસાહતીઓની સંખ્યા ઘટાડવાનું દબાણ છે. આવા સમયે લિબરલ સરકાર તેનું સ્ટ્રોન્ગ બોર્ડર્સ બિલ સંસદમાં પસાર કરાવી લેશે તો ઈમિગ્રેશન મંત્રીને વ્યાપક નવી શક્તિઓ મળી જશે, જેનાથી અરજીઓને સામૂહિક રીતે રદ કરવાનું જોખમ ઊભું થઈ શકે છે. હાલ કાર્ની સરકાર કેનેડામાં સ્થાયી અને કામચલાઉ બંને પ્રકારના વસાહતીઓની સંખ્યા ઘટાડવાની દિશામાં કામ કરી રહી છે, જેમાં ભારતીય નાગરિકોને સૌથી વધુ અસર થઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here