ચીનની સેનાએ પ્રથમ વખત પોતાના બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે દક્ષિણ ચીન સમુદ્રની ઉપર પેટ્રોલિંગ કર્યુ હતું. આ વિમાનોએ એક સાથે ઉડી આકાશમાં પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યુ હતું.

ફિલિપાઇન્સે અમેરિકા અને જાપાનની સાથે નૌસેનાનાં જવાનો સાથે સંયુક્ત પેટ્રોલિંગ કરતા તેના જવાબમાં ચીને આજે આ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. ચીન સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાના કબજાનો દાવો કરે છે.
બીજી તરફ ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા, બુ્રનેઇ અને તાઇવાન પર આ સમુદ્ર પર પોતાનો દાવો કરે છે. આ સમુદ્રને આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સધર્ન થિયેટર કમાન્ડે જાહેરાત કરી હતી કે તેણે ફિલિપાઇન્સનાં સંયુક્ત પેટ્રોલિંગ પછી બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે પ્રથમ વખત પેટ્રોલિંગ કર્યુ છે.ઉલ્લેખનીય છે કે અમેરિકા-જાપાન-ફિલિપાઇન્સનું બે દિવસીય સમુદ્ર અભ્યાસ શુક્રવારથી શનિવાર સુધી ચાલ્યું હતું. દક્ષિણ થિએટર કમાન્ડનાં પ્રવક્તા કર્નલ તિયાન જુનલીએ નિવેદનમાં જણાવ્યું હતું કે ફિલિપાઇન્સ બહારની શક્તિઓ સાથે મળીને સંયક્ત પેટ્રોલિંગ કરી રહ્યું છે જેના કારણે ક્ષેત્રીય સ્થિરતાને નુકસાન પહોંચી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે અમે ફિલિપાઇન્સને કડક ચેતવણી આપી રહ્યાં છીએ કે તે ઉશ્કેરણીજનક અને તંગદિલી વધારનારી કાર્યવાહીઓને તાત્કાલિક રોકે.
