જેફરી એપસ્ટીનના સેક્સ કાંડની મુખ્ય પીડિતાઓમાંની એક રહી ચૂકેલી વર્જિનિયા ગિફ્રેની આત્મકથા “નોબડીઝ ગર્લ” (Nobody’s Girl) એ અમેરિકા અને યુરોપમાં રાજકીય અને સામાજિક ભૂકંપ લાવી દીધો છે. ગિફ્રેના મૃત્યુ બાદ બજારમાં આવેલી આ પુસ્તક એપસ્ટીન અને તેના સેક્સ સિન્ડિકેટના કાળા કારનામાની દાસ્તાન છે.

સૌથી ચોંકાવનારો દાવો એ છે કે, આ પુસ્તકમાં વર્જિનિયા ગિફ્રેને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો છે કે એક ‘જાણીતા વડાપ્રધાન’ (well-known Prime Minister) દ્વારા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
વર્ષોના શોષણની કહાણી
અહેવાલો અનુસાર, આ સંસ્મરણો ગિફ્રેના અવસાનના છ મહિના પછી પ્રકાશિત થયા છે, જેમાં દુનિયાભરના શક્તિશાળી પુરુષોના હાથે વર્ષો સુધી ચાલેલા જાતીય શોષણ, જબરદસ્તી અને તસ્કરીનું બેબાક વર્ણન છે.
ગિફ્રે આ પુસ્તકમાં જણાવ્યું કે, કેવી રીતે એપસ્ટીને તેને તસ્કરી દ્વારા પોતાની કેદમાં રાખ્યો અને પછી તેના ઘણા પ્રભાવશાળી સાથીઓએ તેનું શારીરિક શોષણ કર્યું. પુસ્તકમાં એક અનામી “જાણીતા વડાપ્રધાન” સાથે જોડાયેલો દાવો સૌથી વધુ ચોંકાવનારો છે. વર્જિનિયાએ આ ‘અનામી વડાપ્રધાન’ પર નિર્દયતાથી માર મારવા અને બળાત્કારનો આરોપ લગાવ્યો છે.
આ ઘટના વિશે ગ્રિફે લખ્યું છે કે, ‘એક જાણીતા વડાપ્રધાન દ્વારા મને મારવામાં આવ્યો, મારૂ ગળું દબાવવામાં આવ્યું અને લોહીલુહાણ કરી દેવાઇ. મને ડર હતો કે, હું સેક્સ સ્લેવ તરીકે જ મરી જઇશ.’ગિફ્રેના વર્ણન મુજબ, આ હુમલો એપસ્ટીનના ખાનગી કેરેબિયન ટાપુ પર થયો હતો, જ્યારે તે 18 વર્ષની હતી. તેણે લખ્યું, “તેમણે વારંવાર મારો ગળું દબાવ્યું જ્યાં સુધી હું બેભાન ન થઈ ગઈ. મને મારી જીવનનો ડર લાગતો જોઈને તેઓ વધુ ઉત્તેજિત થતા હતા. જ્યારે તેણે એપસ્ટીનને વિનંતી કરી કે તેને તે રાજકારણી પાસે પાછી ન મોકલે, ત્યારે એપસ્ટીને ઠંડા કલેજે જવાબ આપ્યો કે, ક્યારેક તો તારે આ બધું સહન કરવું જ પડશે.
આ આરોપી રાજકારણીની ઓળખ જાહેર કરવામાં આવી નથી; તેના અમેરિકન એડિશનમાં તેને “પ્રખ્યાત વડાપ્રધાન” અને બ્રિટિશ એડિશનમાં પૂર્વ મંત્રી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
પ્રિન્સ એન્ડ્રુ ફરી ચર્ચામાં
ગિફ્રેના સંસ્મરણોએ યુકેના પ્રિન્સ એન્ડ્રુને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. ગિફ્રેએ પ્રિન્સ એન્ડ્રુ પર કિશોરાવસ્થામાં તેનું જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે જ્યારે તે તેની સામે કોર્ટમાં લડી રહી હતી, ત્યારે તેના સહયોગીઓએ તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિન્સ એન્ડ્રુએ આ આરોપોને સતત નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તેઓ ગિફ્રેને ક્યારેય મળ્યા નથી. તેમ છતાં, પ્રિન્સ એન્ડ્રુએ 2022માં કોર્ટની બહાર લાખો ડૉલરની ચૂકવણી સાથે સમાધાન કર્યું હતું. તાજેતરમાં બ્રિટિશ મીડિયા દ્વારા જાહેર કરાયેલા જૂના ઈમેઈલ દર્શાવે છે કે એન્ડ્રુનો એપસ્ટીન સાથેનો સંપર્ક તેમણે જાહેર કર્યાના સમયગાળા કરતાં વધુ સમય સુધી ચાલ્યો હતો.
જેફરી એપસ્ટીન કોણ હતો?
જેફરી એપસ્ટીન (1953-2019) અમેરિકાનો એક ધનવાન બિઝનેસમેન હતો, જેને બાળકોના જાતીય શોષણ અને સેક્સ ટ્રાફિકિંગ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તે બિલ ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા હાઈ-પ્રોફાઇલ લોકો સાથે સંબંધો ધરાવતો હતો. 2019માં જાતીય તસ્કરીના આરોપસર ધરપકડ થયા બાદ જેલમાં તેણે આત્મહત્યા કરી હતી, જેના કારણે આખો મામલો વધુ ગૂંચવણભર્યો બન્યો છે. તેની સાથીદાર ઘિસલેન મેક્સવેલને 2021માં દોષિત ઠેરવવામાં આવી હતી.
