પાકિસ્તાનમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું મોત થઈ ગયું હોવાના અહેવાલોએ પાકિસ્તાનમાં ભારે વિવાદ સર્જ્યો છે ત્યારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકરો અદિયાલા જેલની બહાર ધરણાં કરતાં સૂત્રોચ્ચાર કર્યો કે,

‘જેલ કા તાલા તૂટેગા, ઈમરાન ખાન છૂટેગા.’
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ (પીટીઆઈ)ના પૂર્વ પ્રમુખ ઈમરાન ખાન જેલમાં કેવી સ્થિતિમાં છે તે અંગે અસમંજસની સ્થિતિ છે ત્યારે પીટીઆઈએ આક્ષેપ કર્યો હતો કે વિદેશી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી ઈમરાન ખાનની મોતની ખોટી અફવા ફેલાવાઈ રહી છે, જે રાષ્ટ્રીય સુરક્ષા અને માનવાધિકારોનો ભંગ છે. પીટીઆઈએ ચેતવણી આપી છે કે ઈમરાન ખાનની સુરક્ષા, સ્વાસ્થ્ય અને બંધારણીય અધિકારોની જવાબદારી શાહબાઝ શરીફ સરકારની છે. ઈમરાન ખાનનો પરિવાર પીટીઆઈના કાર્યકરો સાથે અદિયાલા જેલની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. ઈમરાનની ત્રણ બહેનો તેમને મળવાની માગ પર અડગ છે. ઈમરાન ખાનના પુત્ર કાસિમે પણ પિતાના જીવતા હોવાના પુરાવા માગીને શાહબાઝ સરકાર અને આર્મી ચીફ આસિમ મુનીરની મુશ્કેલી વધારી છે. ઈમરાન ખાનના સ્વાસ્થ્યની ચિંતાઓ વચ્ચે ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી સહિત પીટીઆઈના કાર્યકરો અદિયાલા જેલની બહાર દેખાવો કરતા ઈમરાનના પરિવારને પૂર્વ વડાપ્રધાનને મળવા દેવાની માગ કરી રહ્યા છે. બીજીબાજુ જેલની બહાર દેખાવો કરી રહેલા ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીની પોલીસે મારપીટ કરી હતી. બીજીબાજુ ઈમરાન ખાનની બહેન નૌરીન નિયાઝીએ મીડિયાને કહ્યું કે, ઈમરાન સાથે જેલમાં મુલાકાત પહેલાથી નિશ્ચિત હતી, પરંતુ હવે જેલ સત્તાવાળા તેમને અંદર જવા દેતા નથી. ઈમરાન ખાન કેવી હાલતમાં છે તેની પરિવારને કોઈ જાણ નથી. બીજીબાજુ જેલ તંત્રે ઈમરાનના સ્વાસ્થ્ય અંગે ચૂપકિદી જાળવી રાખી છે.

