WORLD : ટ્રમ્પનું નવું ગતકડું : અમેરિકામાં આયાત થતી દવાઓ પર 100 ટકા ટેરિફ

0
75
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે નવા ટેરિફની જાહેરાત કરતા ફાર્મા, ફર્નિચર અને ઓટો ઉદ્યોગને મોટો ફટકો આપ્યો છે. અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ પ્રમુખ ટ્રમ્પના આ નવા દંડાત્મક ટેરિફનો અમલ ૧લી ઑક્ટોબરથી થશે. ટ્રમ્પે બ્રાન્ડેડ દવાઓ પર ૧૦૦ ટકા, કીચન કેબિનેટ તથા બાથરૂમ ફીટિંગ્સ પર ૫૦ ટકા, અપહોસ્ટર્ડ ફર્નિચર પર ૩૦ ટકા અને હેવી ટ્રક્સ પર ૨૫ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે. ટ્રમ્પની આ જાહેરાતના પગલે ભારતમાં ટોચની ફાર્મા કંપનીઓના શૅરમાં કડાકો બોલાયો હતો.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ નાંખ્યા પછી બંને દેશોના સંબંધો વણસ્યા હતા. જોકે, ટ્રમ્પે સકારાત્મક સંકેતો આપ્યા પછી ભારત અને અમેરિકા વચ્ચે ફરીએક વખત દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો શરૂ થઈ છે. અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો માટે વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલના નેતૃત્વમાં ભારતીય ટીમ ન્યૂયોર્ક ગઈ હતી. આ ટીમ પાછી ફર્યાના બીજા જ દિવસે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દવાઓ, ફર્નીચર અને હેવી ટ્રક્સ પર ૧૦૦ ટકાથી લઈને ૨૫ ટકા સુધી ટેરિફ નાંખ્યો છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ-સોશ્યલ પર અમેરિકન સમય મુજબ ગુરુવારે બ્રાન્ડેડ અથવા પેટન્ટવાળી દવાઓ પર ૧૦૦ ટકા, કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર ૫૦ ટકા, અપહોલસ્ટર્ડ ફર્નિચર પર ૩૦ ટકા અને હેવી ટ્રક્સ પર ૨૫ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે, જેનો અમલ ૧ ઑક્ટોબરથી શરૂ થશે. ટ્રમ્પની આ પોસ્ટ દર્શાવે છે કે ઑગસ્ટમાં શરુ કરાયેલા વેપાર માળખા અને આયાત કર સાથે ટેરિફ પ્રત્યે ટ્રમ્પનું વળગણ ખતમ નથી થયું. ટ્રમ્પનું સ્પષ્ટ માનવું છે કે ટેરિફ સરકારની બજેટ ખાધ ઘટાડવામાં અને સ્થાનિક ઉત્પાદન વધારવામાં મદદ કરશે.

 ટ્રમ્પે દવાઓ પર ટેરિફ જાહેર કરવાની સાથે જ ભારતમાં શૅરબજારમાં ભારતીય ફાર્મા કંપનીઓ પર તેની વિપરિત અસર પડી હતી. ટ્રમ્પના ટેરિફથી ભારતની ફાર્મા કંપનીઓની નિકાસ પર વ્યાપક અસર પડશે તેવી અટકળો થઈ રહી છે. ભારતીય કંપનીઓના શૅરોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. 

ભારતે ૨૦૨૪માં ૩.૬ બિલિયન ડોલર્સ (રૂ. ૩૧,૬૨૬ કરોડ)ની કિંમતની દવાઓ અમેરિકાને વેચી હતી. ૨૦૨૫ના જૂન સુધીમાં જ ૩.૭ બિલિયન ડોલર્સ (રૂ. ૩૨,૫૦૫)ની કિંમતની દવાઓ અમેરિકાને વેચી છે.

અમેરિકાએ વર્ષ ૨૦૨૪માં ૨૩૩ બિલિયન ડોલર્સની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટસ આયાત કરી હતી. તેમાં મેડીસીનલ પ્રોડક્ટસ્નો પણ સમાવેશ થતો હતો. હવે આ નવો પ્રચંડ ટેરિફ લાગુ પડતાં દવાઓના ભાવમાં બમણાથી પણ વધુ વધારો થાય જ. 

પરિણામે અમેરિકાના નાગરિકોને દવાઓ મોંઘી પડવાની જ છે જે નિર્વિવાદ છે. આ એક્સપોર્ટર્સમાં ડો. રેડીઝ, સન-ફાર્મા, લુપિત, અને અરબિંદો ફાર્મા અગ્રીમ હતી. ભારતીય દવાઓ અમેરિકન કંપનીઓ દ્વારા બનાવાતી દવાઓ કરતાં ઘણી સસ્તી પડે છે. હવે ટેરિફ વધતાં તેની કિંમત પણ વધી જતાં તે દવાઓના ભાવ અમેરિકામાં વધી જવાના છે.

ટ્રમ્પે ભારતીય બનાવટનાં અપહોસ્ટરી સિવાયનાં ફર્નિચર ઉપર પણ વધુ ટેરિફ ઝીંક્યો છે તે માટે તેમણે ‘નેશનલ સિક્યુરિટી’નું કારણ આપ્યું છે. પ્રશ્ન તે છે કે, દવાના કે ફર્નિચરના ભાવને રાષ્ટ્રીય સલામતી સાથે શો સંબંધ છે ? ટ્રમ્પે વિદેશોમાંથી આયાત કરાતા હેવી ટ્રક ઉપરનો ટેરિફ પણ વધારી ૨૫ ટકા કર્યો છે. તેથી ટ્રક બનાવનારી કંપનીઓ જેવી કે પીટરબીલ્ટ કેનવર્થ ફ્રેઇટ-લાઇનર, મેક-ટ્રકને ભીંસ પડવાની જ છે. જેની પણ આડકતરી અસર અમેરિકાનાં ટેક્સ પેયર્સ ઉપર પણ થશે તે નિશ્ચિત છે.

પ્રમુખ ટ્રમ્પે તેમના ટેરિફ રેજીમમાં નવા ઉમેરાનું કારણ જણાવ્યું છે કે અન્ય દેશો આ ઉત્પાદનો અમેરિકામાં મોટાપાયે ઉપલબ્ધ કરાવી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, તેનો આશય ઉત્પાદકોને અન્ય દેશોની અનૈતિક પ્રતિસ્પર્ધાથી બચાવવા માટે હેવી ડયુટી ટ્રક પર નવા ટેરિફ નાંખવામાં આવ્યા છે.  જોકે, ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ખુલાસો કર્યો હતો કે, જે વિદેશી કંપનીઓ અમેરિકામાં જ ફેક્ટરીનાં મકાનો બનાવવા માંગતી હોય અને તે માટે બાંધકામની શરૂઆત પણ કરી દીધી હોય, તેને આટલો ટેરિફ આપવો નહી પડે. પરંતુ, તેઓએ તે સ્પષ્ટતા કરી ન હતી કે, જે કંપનીઓની ફેક્ટરીઓ યુ.એસ.માં જ હોય, તેમને આ નવો ટેરિફ લાગુ પડશે કે કેમ ?

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here