ન્યૂ યોર્કમાં ટ્રાફિક જામના કારણે એક અનોખી સ્થિતિ ઊભી થઈ હતી. હકીકતમાં જ્યારે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાએ રસ્તા પર રોકી દીધા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં ફ્રેન્ચ પ્રમુખ થોડા સમય માટે ન્યૂ યોર્કના રસ્તા પર ફસાયેલા જોવા મળ્યા હતા કારણ કે પોલીસે ટ્રમ્પના કાફલા માટે રસ્તો રોકી રાખ્યો હતો.

ટ્રાફિક જામમાં ફસાયા ફ્રાન્સના પ્રમુખ
આ ઘટના સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80મા સત્રમાં મેક્રોનના ભાષણ પછી તરત જ બની હતી, જેમાં તેમણે સત્તાવાર રીતે પેલેસ્ટાઇનને માન્યતા આપવાની જાહેરાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયથી ફ્રેન્ચ દૂતાવાસ તરફ જતી કરતી વખતે, પ્રમુખ ટ્રમ્પના કાફલા માટે રસ્તાઓ સુરક્ષિત કરી રહેલી ન્યૂ યોર્ક પોલીસે તેમની કારને રોકી હતી.
વીડિયો થયો વાઈરલ
ફ્રાન્સના એક મીડિયા દ્વારા શેર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક પોલીસ અધિકારી મેક્રોનની માફી માંગે છે અને કહે છે, ‘માફ કરશો, શ્રીમાન પ્રમુખ, હમણાં બધું બંધ છે.’ વાઈરલ વીડિયોમાં, ઇમેન્યુઅલ મેક્રોન ટ્રાફિક વચ્ચે તેમની કારમાંથી રસ્તા પર ઉતરતા જોઈ શકાય છે, જ્યાં લોકો તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે.
ટ્રમ્પને ફોન કરીને કહ્યું, ‘તમારા કારણે…’
આ મામલાએ વધુ રમૂજી વળાંક લીધો જ્યારે ફ્રાન્સના પ્રમુખે ડોનાલ્ડ ટ્રમ્પને સીધો ફોન કર્યો અને મજાકમાં કહ્યું કે, ‘હું તમારા કારણે ટ્રાફિક જામમાં ફસાઈ ગયો છું. હું રસ્તા પર રાહ જોઈ રહ્યો છું કારણ કે તમારા માટે બધું બંધ છે.’ટ્રાફિકની વધતી સમસ્યા
ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો પસાર થયો, પરંતુ રસ્તો ફક્ત રાહદારીઓ માટે ખુલ્લો હતો, જેના કારણે ઇમેન્યુઅલ મેક્રોનને પગપાળા તેમના આગામી ગંતવ્ય સ્થાન તરફ જવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 80મું સત્ર VIP કાફલાઓ માટે મેનહટનમાં રસ્તાઓ બંધ કરવા અને કડક સુરક્ષા વ્યવસ્થાના કારણે પહેલાથી જ ચર્ચામાં છે. મેક્રોન સાથે જોડાયેલી આ ઘટના ન્યૂ યોર્કમાં થતી ટ્રાફિક સમસ્યાઓને ઉજાગર કરે છે. જ્યાં રાષ્ટ્ર પ્રમુખે પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે.

