અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા કાર્યકાળમાં સત્તા પર આવ્યા ત્યારથી ટેરિફના મુદ્દે સતત યુ-ટર્ન લઈ રહ્યા છે. પ્રમુખ ટ્રમ્પે એકબાજુ ચીન પર ૧૫૫ ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી છે. બીજીબાજુ દક્ષિણ કોરિયામાં શી જિનપિંગ સાથેની મુલાકાતમાં શાનદાર સોદો કરવાની આશા વ્યક્ત કરી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું કે, ચીનના પ્રમુખ શી જિનપિંગ વોશિંગ્ટન સાથે ‘નિષ્પક્ષ સમજૂતી’ પર હસ્તાક્ષર નહીં કરે તો તેઓ ચીનની વસ્તુઓ પર ૧૫૫ ટકા સુધીનો ટેરિફ નાંખી દેશે. ટ્રમ્પના આ નિવેદન પછી દુનિયાની બે આર્થિક મહાસત્તાઓ વચ્ચે વેપાર તણાવ ફરીથી વધી ગયો છે. ટ્રમ્પે કહ્યું દક્ષિણ કોરિયામાં આયોજિત એશિયા-પ્રશાંત આર્થિક સહયોગ શિખર સંમેલનમાં ચીનના પ્રમુખ શી જિનપિંગને મળશે તો તેમની વચ્ચે ‘શાનદાર સમજૂતી’ થવાની આશા છે.અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું, ચીન અમેરિકાનું ખૂબ સન્માન કરે છે અને શી જિનપિંગ સાથેનો શાનદાર સોદો ખૂબ જ સારી વેપાર સમજૂતી હશે. તે બંને દેશો માટે અને આખી દુનિયા માટે શાનદાર હશે. બેઈજિંગે અમને દુર્લભ ખનીજોના ઉત્પાદનોનો ડર બતાવ્યો છે અને મેં તેમને ટેરિફની ધમકી આપી છે. શી જિનપિંગ સાથે તેમના ખૂબ જ સારા સંબંધો છે અને તેમની વચ્ચે ‘ખૂબ જ સારી સમજૂતી’ થવાની આશા છે. હવે આખી દુનિયાની નજર દક્ષિણ કોરિયામાં ટ્રમ્પ અને જિનપિંગની બેઠક પર છે, કારણ કે તેમની વચ્ચે કોઈપણ પ્રકારની સમજૂતી નહીં થાય તો માત્ર બંને મહાશક્તિઓ જ નહીં પરંતુ દુનિયાના અર્થતંત્રોમાં અસ્થિરતાનું જોખમ વધશે.
પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે તેઓ દક્ષિણ કોરિયામાં યોજાઈ રહેલા એશિયા-પ્રશાંત આર્થિક સહયોગ સંમેલનમાં ચીનના પ્રમુખ જિનપિંગ સાથે મુલાકાત કરશે. જોકે, જિનપિંગે હજુ સુધી દક્ષિણ કોરિયાના પ્રવાસ અંગે કોઈ જાહેરાત કરી નથી. ટ્રમ્પના નિવેદન પહેલા અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું કે, અમેરિકા અને ચીનના અધિકારીઓ આ સપ્તાહે મલેશિયામાં બેઠક કરશે. બીજીબાજુ રિપોર્ટો પરથી સંકેત મળે છે કે ટ્રમ્પે વ્હાઈટ હાઉસ પાછા ફર્યા પછી શી જિનપિંગ સાથે પોતાની પહેલી આમને-સામને બેઠક રદ કરવા પર વિચાર કર્યો હતો.

