WORLD : ટ્રમ્પે ફેરવી તોળ્યું : હોર્મુઝની ખાડી વગર યુદ્ધ સમેટીશું !

0
16
meetarticle

ઈરાનમાં સત્તા પરિવર્તન અને તેના ઓઈલ પર કબજો કરવાના આશયથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં શરૂ કરેલું યુદ્ધ હવે તેમના માટે મુશ્કેલીરૂપ બની રહ્યું છે. ઈરાન યુદ્ધ મુદ્દે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ વારંવાર તેમના નિવેદનો બદલી રહ્યા છે. ઈરાન પાસે ૨૯૦ વર્ષ ચાલે તેટલું ક્રૂડ ઓઈલ હોવાના અહેવાલો વચ્ચે ક્રૂડ ઓઈલ પર કબજો કરવા ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું હોવાનો દાવો કરનારા પ્રમુખ ટ્રમ્પ હવે બીજા જ દિવસે ફરી ગયા છે અને તેમણે ખાર્ગ ટાપુ પર કબજા કે હોર્મુઝની ખાડી ખોલ્યા વિના જ યુદ્ધ સમેટવાના સંકેત આપ્યા છે. સાથે વ્હાઈટ હાઉસે આ યુદ્ધથી અમેરિકન અર્થતંત્ર પર પડેલા બોજની વસૂલાત ખાડીના દેશો પાસેથી કરવાના પણ સંકેત આપ્યા છે.

મધ્ય-પૂર્વમાં ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યા પછી નાટો દેશો સાથ આપશે તેવી અમેરિકન પ્રમુખ ટ્રમ્પની આશા ફળીભૂત થઈ નથી. વધુમાં ઈરાન સામેના યુદ્ધ મુદ્દે ટ્રમ્પની પોતાની પણ કોઈ સ્પષ્ટ નીતિ નથી. ટ્રમ્પ એક દિવસ કહે છે અમેરિકા ઈરાન સામેનું યુદ્ધ જીતી ગયું છે, ઈરાનની નેતાગીરીને ખતમ કરી નાંખી છે. બીજા દિવસે ટ્રમ્પ હોર્મુઝની ખાડી ખોલાવવા માટે સાથી દેશોને મદદ કરવા માટે આગળ આવવા વિનંતી કરે છે.

પ્રમુખ ટ્રમ્પે ગઈકાલે ઈરાન પાસે ૨૯૦ વર્ષ ચાલે તેટલું ક્રૂડ હોવાના અહેવાલોને ટાંકીને વેનેઝુએલા, ક્યુબા પછી હવે ઈરાનના ખાર્ગ ટાપુ પર કબજો કરવા અને તેના ઓઈલ માટે યુદ્ધ શરૂ કર્યાનો દાવો કર્યો હતો.

હવે ટ્રમ્પ ખાર્ગ ટાપુ પર કબજા અને ઈરાનના ઓઈલ કે હોર્મુઝની ખાડી ખોલ્યા વિના જ યુદ્ધ સમેટવાના સંકેત આપી રહ્યા છે. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકા હવે મધ્ય-પૂર્વની ઊર્જા પર નિર્ભર નથી. એવામાં તેઓ હોર્મુઝની ખાડી ખોલ્યા વિના જ ઈરાન સામે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત કરી શકે છે.

ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ ટ્રમ્પ ઈરાનમાં અમેરિકન અભિયાન ખતમ કરવા પર વિચાર કરી રહ્યા છે. તેમણે સાથીઓને સંકેત આપ્યા છે કે હોર્મુઝની ખાડી બંધ હોય તો પણ તેઓ ચારથી છ સપ્તાહની સમય મર્યાદામાં ઈરાન સામે સૈન્ય ઓપરેશન ખતમ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાએ ઈરાનની ટોચની નેતાગીરીને ખતમ કરી નાંખી છે તથા ઈરાનની નેવી અને મિસાઈલ ક્ષમતાઓને નબળી પાડી દીધી છે. અમેરિકાએ પોતાના મુખ્ય આશયો પૂરા કરી લીધા છે. આથી હોર્મુઝની ખાડી બંધ હોય તો પણ તે પોતાની દુશ્મની ખતમ કરી શકે છે અને જીત મેળવ્યાની જાહેરાત કરી શકે છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા ઓઈલનો ૮૪ ટકા હિસ્સો એશિયન બજારોમાં જાય છે. એવામાં હોર્મુઝની ખાડીને ફરી ખોલવી હવે એશિયા અને યુરોપની પ્રાથમિક્તા હોવી જોઈએ. તેઓ રાજદ્વારી રીતે હોર્મુઝની ખાડી ખોલાવવામાં નિષ્ફળ જાય તો ટ્રમ્પ યુરોપ અને અખાતના સાથી દેશોને યુદ્ધમાં આગળ આવવા દબાણ કરી શકે છે. દરમિયાન વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પ અને પેન્ટાગોનના ચીફ ઈરાન સામે સૈન્ય ઓપરેશન માટે નિશ્ચિત કરેલી ચારથી છ સપ્તાહની સમય મર્યાદાને વળગી રહે તેવી શક્યતા છે. આ યુદ્ધને ૩૦ દિવસથી વધુનો સમય થઈ ગયો છે ત્યારે હવે અમેરિકા તેનું સૈન્ય ઓપરેશન અટકાવી શકે છે. તેમણે એવા પણ સંકેત આપ્યા કે ઈરાન સામેના યુદ્ધથી અમેરિકન અર્થતંત્ર પર જે બોજ પડયો છે તેની અમેરિકા કુવૈત, યુએઈ અને સાઉદી અરબ જેવા દેશો પાસેથી વસૂલાત કરી શકે છે. આ દેશોએ ઈરાન સામેના યુદ્ધનો આર્થિક બોજ ઉપાડવો જોઈએ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here