આફ્રિકાના દેશ તાંઝાનિયામાં એક અસાધારણ પ્રજાતિના ઉંદરો માનવજીવન બચાવવાની ભૂમિકા નિભાવી રહ્યા છે. ‘હીરો રેટ્સ’ તરીકે ઓળખાતા આ જીવો તેમની અત્યંત સંવેદનશીલ ઘ્રાણશક્તિનો ઉપયોગ કરીને જમીનમાં દટાયેલા વિસ્ફોટકો અને ઘાતક રોગ ટીબી (ક્ષય) ના જીવાણુઓને પણ શોધી કાઢે છે. વર્ષ 2003થી તેઓ લેન્ડમાઇન્સ શોધવામાં સક્રિય છે અને હાલમાં ભૂકંપ જેવી આપત્તિમાં ફસાયેલા લોકોને શોધવા માટે પણ તાલીમ પામી રહ્યા છે. ચાલો, જાણીએ કે આ ‘હીરો રેટ્સ’ કઈ રીતે કામ કરે છે.

એક અદ્ભુત બચાવ અભિયાન
એક પરિસ્થિતિની કલ્પના કરો, એક વ્યક્તિ ભૂકંપના કાટમાળ નીચે દબાઈ ગઈ છે. ત્યાં એક બચાવકર્તા આવે છે, જે એક ઉંદર છે! તેની પીઠ પર એક થેલી બાંધેલી છે. તે કાટમાળમાંથી રસ્તો કરીને આગળ વધે છે, અને આખરે દબાયેલી વ્યક્તિને શોધી કાઢીને પોતાની પીઠ પર બાંધેલા સાધન પરનું ટ્રિગર દબાવીને સિગ્નલ આપે છે. બચાવદળ એ સિગ્નલને ઝડપી લે છે અને એ વ્યક્તિ સુધી પહોંચીને એને બચાવી લેવાય છે. કાલ્પનિક લાગે એવું આ દૃશ્ય તાંઝાનિયાના મોરોગોરો શહેરમાં APOPO નામની સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી તાલીમને લીધે શક્ય બન્યું છે.લેન્ડમાઇન્સ અને ટીબીનો શત્રુ
APOPO સંસ્થા અત્યંત તીવ્ર ઘ્રાણશક્તિ આફ્રિકન પ્રજાતિના ઉંદરોને વિશેષ તાલીમ આપે છે, જેને લીધે આ ઉંદરો માત્ર વિસ્ફોટકો જ નહીં, પણ ટીબીના જીવાણુઓની સૂક્ષ્મતમ માત્રા પણ શોધી શકે છે. ઉંદરોને દોરડા પર ચાલતા પણ શીખવાડાય છે અને જમીન નીચે વિસ્ફોટકો દટાયેલા હોય તેવા ક્ષેત્રોને ઓળખી કાઢવાની ટ્રેનિંગ પણ અપાય છે. આ ઉંદરો પછી અંગોલા અને કંબોડિયા જેવા દેશોમાં મોકલવામાં આવે છે, જ્યાં આ ઉંદરોએ વર્ષ 2014થી અત્યાર સુધીમાં 50,000થી વધુ લેન્ડમાઇન્સ નિષ્ક્રિય કરવામાં મદદ કરી છે. લેન્ડમાઈન શોધવાની કામગીરીના પુરસ્કાર રૂપે ઉંદરોને ભાવતું ભોજન કેળાં આપવામાં આવે છે.
ટીબી શોધમાં અનન્ય યોગદાન
લેન્ડમાઇન શોધવાનું કામ ચકિત કરી દે એવું છે, પરંતુ ટીબી શોધવાનું કાર્ય વધુ મહત્વપૂર્ણ છે, કેમ કે લેન્ડમાઇનથી દર વર્ષે વિશ્વમાં જેટલા લોકો મરે છે એના કરતાં વધુ લોકો એક જ દિવસમાં ટીબીને લીધે માર્યા જાય છે. ટીબી એક ઘાતક અને ચેપી શ્વસન રોગ છે, જે વિશ્વભરમાં વ્યાપક છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના મતે વર્ષ 2023માં 82 લાખ લોકોને ટીબીનો ચેપ લાગ્યો હતો, જેમાંના 12.5 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આફ્રિકામાં લગભગ પચાસ ટકા ટીબી રોગીઓને ચેપ લાગ્યાનું સાચુ નિદાન જ નથી થતું, જેથી તેઓ અજાણતાં રોગ ફેલાવવા રહે છે.
ઉંદરો કઈ રીતે ટીબીના જીવાણુઓને ઓળખે છે?
APOPO એ 2007માં ટીબી શોધનું કાર્ય શરૂ કર્યું. તેણે તેના ઉંદરોને તાંઝાનિયા, ઇથિયોપિયા અને મોઝામ્બિકમાં તૈનાત કર્યા છે. શંકાસ્પદ દરદીઓના નમૂના એકત્રિત કરીને પ્રયોગશાળામાં લાવવામાં આવે છે, જ્યાં ઉંદરો તેમની સંવેદનશીલ ઘ્રાણશક્તિ વડે ટીબીના જીવાણુઓને ઓળખી કાઢે છે. આ ઉંદરો ટીબી પોઝિટિવ નમૂનાઓમાં આવેલા છ કાર્બનિક સંયોજનોને ઓળખી શકે છે.
એક ઉંદરને તાલીમ આપવામાં 6 લાખ રૂપિયાનો ખર્ચ!
ઉંદર જન્મે એ પછી થોડા જ દિવસોમાં એને તાલીમ આપવાનું શરૂ કરી દેવાય છે. દરેક ઉંદરને તાલીમ આપવાનો ખર્ચ લગભગ 7000 ડોલર એટલે કે અંદાજે 6 લાખ રૂપિયા જેટલો થાય છે!ઉંદરનું આયુષ્ય સરેરાશ કરતાં વધુ
હીરો રેટ્સની પ્રજાતિના ઉંદરો સરેરાશ દસ વર્ષ જીવે છે, પણ તાલીમ મેળવનાર ઉંદરોને સારો ખોરાક અને સારી સારસંભાળ મળતી હોવાથી તેઓ એક દાયકા કરતાં લાંબુ અને તંદુરસ્ત જીવન જીવે છે.
પરંપરાગત પદ્ધતિઓ કરતાં ઉંદરો વધુ કાર્યક્ષમ!
ટીબી નિદાન માટેની માઇક્રોસ્કોપી જેવી પરંપરાગત પદ્ધતિઓ ભૂલભરેલી છે, અને એમાં પરિણામ મળતાં સમય પણ વધુ લાગે છે. APOPOના ઉંદરો માત્ર 20 મિનિટમાં 100 નમૂનાઓ તપાસી શકે છે. આ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી આજ સુધીમાં ઉંદરો 30,000થી વધુ એવા રોગીઓને ઓળખી ચુક્યા છે, જેમને ખોટી રીતે રોગમુક્ત ગણાવીને ઘરે મોકલી દેવાયા હતા. ઉંદરોની કામગીરી ખૂબ ઝડપી છે. 55 હોસ્પિટલો ભેગી મળીને એક દિવસમાં ટીબીના જેટલા પરીક્ષણો કરી શકે છે, એટલા પરીક્ષણો APOPOના ઉંદરોને એક દિવસમાં કરી આપે છે.
APOPO સામે પડકાર પણ છે
જીવંત પ્રાણીઓનો ઉપયોગ કરવાની આ પદ્ધતિ સામે અમુક પડકાર પણ છે. WHOએ આ ઉંદરોને નિદાનના ‘પાકા’ સાધન તરીકે માન્યતા આપી નથી. તેઓ માત્ર સેકન્ડ-લાઈન ચેક તરીકે જ વપરાય છે. ઉંદરો દ્વારા શોધાયેલા કોઈપણ પોઝિટિવ નમૂનાની પુષ્ટિ માઇક્રોસ્કોપી દ્વારા કરવી ફરજિયાત છે. WHO ફક્ત ઉંદરોને ભરોસે દર્દીઓની દવાના મતનું નથી.

