ભારતે સરહદ પારથી ગેરકાયદેસર ઘૂસણખોરીને પાકિસ્તાન દ્વારા “સતત સમર્થન” આપવા બદલ સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે શનિવારે પાકિસ્તાની હાઈ કમિશનના ચાર્જ ડી’અફેર્સ સાદ વારૈચને સમન્સ પાઠવ્યા હતા. પાકિસ્તાને ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના ચાર્જ ડી’અફેર્સને સમન્સ પાઠવ્યાના કલાકો બાદ ભારતનું આ પગલું આવ્યું છે. ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં બે લોકોના મોત પર “મજબૂત વિરોધ” નોંધાવવા માટે પાકિસ્તાને ભારતના ચાર્જ ડી’અફેર્સને સમન્સ પાઠવ્યા હતા, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ નાગરિક હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે પંજાબના તરનતારન જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફના જવાનોએ બે શંકાસ્પદ પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સરહદ પારથી ગેરકાયદેસર ઘૂસણખોરીને પાકિસ્તાન દ્વારા સતત સમર્થન આપવા બદલ ભારતનો કડક વિરોધ નોંધાવવા માટે પાકિસ્તાન હાઇ કમિશનના ચાર્જ ડી’અફેર્સને સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

