અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મુલાકાતમાં દાવો કર્યો છે કે પાકિસ્તાન પણ એવા દેશોમાં સામેલ છે જે સક્રિય રીતે પરમાણુ પરિક્ષણ કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે રશિયા, ચીન, ઉત્તર કોરિયા તેમજ પાકિસ્તાન જેવા દેશો લગાતાર પરમાણુ હથિયારોના પરિક્ષણમાં સામેલ છે, જ્યારે અમેરિકા હજી સુધી આ દિશામાં સંયમ પાળી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે હવે અમેરિકાએ પણ પોતાના પરમાણુ પરિક્ષણ ફરીથી શરૂ કરવાની જરૂર છે જેથી તે સ્પર્ધામાં પાછળ ન રહી જાય. ટ્રમ્પના આ દાવાથી દક્ષિણ એશિયામાં પરમાણુ સંતુલન સામે જોખમ સર્જાયું છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે નવેસરથી શસ્ત્ર દોટ શરૂ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.સીબીએસ ન્યુઝના કાર્યક્રમ ૬૦ મિનિટ્સમાં આપેલી મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે રશિયા અને ચીન પરિક્ષણ કરી રહ્યા છે, પણ તેઓ આ બાબતની જાણકારી નથી આપતા. આપણે એક મુક્ત સમાજ છીએ, જેથી આપણે પારદર્શી રહેવું પડે છે. જ્યારે બાકીના દેશો પરિક્ષણ કરતા રહે છે, તો અમેરિકા શા માટે પાછળ રહે. તેમણે કબૂલ કર્યું કે અમેરિકા પાસે વિશ્વના કોઈપણ દેશ કરતા વધુ પરમાણુ હથિયાર છે અને આ શક્તિને ધ્યાનમાં રાખીને તેમણે રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે પરમાણુ નિશસ્ત્રીકરણ વિશે વાટાઘાટ કરી હતી.

ટ્રમ્પે કહ્યું કે વિશ્વ પાસે એટલા પરમાણુ હથિયાર છે જેનાથી સમગ્ર વિશ્વ ૧૫૦ વાર નષ્ટ થઈ શકે છે. ટ્રમ્પે ઉમેર્યું કે અમેરિકા એકમાત્ર એવો દેશ ન હોવો જોઈએ જે પરિક્ષણોથી દૂર રહે. ટ્રમ્પે એવું પણ જણાવ્યું કે રશિયાસ, ચીન, ઉત્તર કોરિયા તેમજ પાકિસ્તાન સામાન્યપણે ભૂગર્ભ અણુ પરિક્ષણ કરતા હોવાથી વિશ્વને તેની જાણકારી નથી મળતી.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયાએ તાજેતરમાં જ પોતાની સૌથી ઘાતક પરમાણુ મિસાઈલ પોસાઈડન અંડરવોટર ડ્રોનનું પરિક્ષણ કર્યું છે. ત્યાર પછી અમેરિકાએ લગભગ ત્રીસ વર્ષ પછી ફરીથી પરમાણુ હથિયારોની દોડમાં સામેલ થવાના સંકેત આપ્યા છે.
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયુટ(સિપરી) અનુસાર ભારત પાસે લગભગ ૧૮૦, પાકિસ્તાન પાસે ૧૭૦ અને ચીન પાસે ૬૦૦ જેટલા પરમાણુ હથિયારો છે. ચીન પોતાના પરમાણુ ભંડારમાં ઝડપથી વધારો કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન ૧૯૯૮થી પોતાના પરમાણુ હથિયાર કાર્યક્રમને સતત આગળ વધારી રહ્યું છે. ભારતની ‘નો ફર્સ્ટ યુઝ નીતિ’થી વિપરીત પાકિસ્તાન નાના વ્યૂહાત્મક પરમાણુ હથિયાર દ્વારા પ્રાદેશિક અસ્થિરતાનું જોખમ વધારી રહ્યું છે.

