૧૪ ફેબુ્રઆરી ૨૦૧૯ના જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો જેમાં ભારતના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. આ શહીદીને અને આતંકી હુમલાને યાદ કરતા બલુચિસ્તાનની આઝાદીની લડાઇ લડનારા બલોચ નેતા મીર યારે ભારતને સમર્થન આપ્યું હતું. અને કહ્યું હતું કે પુલવામા જેવા હુમલા રોકવા માટે જ બલુચિસ્તાનની આઝાદી જરૂરી છે.

બલુચિસ્તાનની આઝાદીની ચળવળ ચલાવી રહેલા બલોચ નેતા મીર યારે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે બલુચિસ્તાન ભારતના નાગરિકો અને ૧૪ ફેબુ્રઆરી ૨૦૧૯ના રોજ થયેલા પુલવામા ટેરર હુમલાના પીડિતોની સાથે છે. અમે આ આતંકી હુમલા અને હિંસાની ટીકા કરીએ છીએ જેને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો અને લોકોએ દુઃખ વેઠવુ પડયું. પુલવામા હુમલા જેવી ઘટનાઓ માટે જવાબદાર પાકિસ્તાન સામે કાર્યવાહી થવી જોઇએ. મીરે વધુમાં કહ્યું હતું કે પુલમાવા હુમલા પાછળ પાકિસ્તાનની યુનિફોર્મ વગરની સૈન્ય જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાની હિંસા ફેલાવવાની પેટર્ન જવાબદાર છે. અમે લાંબા સમયથી વિશ્વને કહ્યું છે કે પાકિસ્તાનના આતંકી સંગઠનોને પાકિસ્તાની સૈન્યથી અલગ ના ગણશો આ બન્ને એક જ છે. પાકિસ્તાનના આતંકી જુથો પાક. સૈન્ય અને જાસૂસી સંસ્થા આઇએસઆઇના એજન્ડા પર કામ કરે છે. પાકિસ્તાની સરકાર આતંકીઓને ફન્ડ આપી રહી છે.

