ન્યૂયોર્ક શહેરમાં મૂશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. માત્ર ૧૦ મિનિટનાં વરસાદને કારણે શહેરનાં અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા હતાં. બે અલગ અલગ બેઝમેન્ટ દુર્ઘટનાઓમાં બે લોકોનાં મોત થયા છે.

પ્રથમ ઘટના બુ્રકલિનનાં ફલેટબુશ વિસ્તારમાં બની હતી. જ્યાં ૩૯ વર્ષીય વ્યકિત પોતાના ઘરનાં બેઝમેન્ટમાં ફસાઇ ગઇ હતી. વ્યકિતને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પણ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિક નિવાસી રિની ફિલિપ્સે જણાવ્યું હતું કે મૃતકે પોતાના એક કૂતરાને બેઝમેન્ટમાંથી બહાર કાઢ્યો હતોે પણ બીજા કૂતરાને બચાવવા જતાં તે ફસાઇ ગયો હતો. બીજી ઘટના મેનહટ્ટનનાં વોશિંગ્ટન હાઇટ્સ વિસ્તારમાં બની હતી જ્યાં ૪૩ વર્ષીય શખ્સ બેઝમેન્ટનાં બોયલર રૂમમાં મૃત મળી આવ્યો હતો.કેટલાક વિસ્તારોમાં ૧૦૦ વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. માત્ર દસ મિનિટનાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. મેટ્રો ટ્રેક, સડકો અને ઇમારતોનાં બેઝમેન્ટ પાણીમાં ડૂબી ગયા હતાં. વૃક્ષો ધરાશષ્યી થવાની ૧૪૦થી વધુ ફરિયાદો મળી હતી. હજારો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

