WORLD : ભારતે રશિયન ક્રૂડની ખરીદી બંધ કરતા ટ્રમ્પ ટેરિફ 25 ટકા ઘટાડવા તૈયાર

0
15
meetarticle

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદાની વાટાઘાટો હજુ અદ્ધરતાલ છે તેવા સમયે અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યા છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પરનો ૨૫ ટકા ટેરિફ ઘટાડી શકે છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ટ્રમ્પે દંડ સ્વરૂપે ભારત પર વધારાનો ૨૫ ટકા ટેરિફ નાંખતા કુલ ટેરિફ ૫૦ ટકા થઈ ગયો હતો. બીજીબાજુ યુરોપીયન યુનીયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર ભારત સાથે એફટીએ માટે દિલ્હી પહોંચી ગયા છે. ભારત સાથેના આ વેપાર કરારને તેમણે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ગણાવી હતી. આ સાથે ક્યુબાએ પણ ભારત સાથે આર્થિક સંબંધો મજબૂત કરવા વેપાર કરાર કરવાની તૈયારી દર્શાવી છે.અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે દાવોસમસાં જણાવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પે ભારત પર દંડ સ્વરૂપે લગાવેલા ૨૫ ટકા ટેરિફ હટાવવામાં આવી શકે છે. ભારતે હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડી દીધી છે. એટલે કે લગભગ બંધ જ કરી દીધી છે. ભારતને રશિયન ક્રૂડ ઓઈલ ખરીદતું રોકવું એ અમેરિકા માટે આ ખૂબ જ મોટી સફળતા છે. 

ભારત રશિયા પાસેથી જંગી પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી કરતું હોવાથી ૨૫ ટકા રેસિપ્રોકલ ટેરિફ ઉપરાંત ટ્રમ્પે દંડ સ્વરૂપે ૨૫ ટકા ટેરિફ નાંખતા ભારત પર કુલ ૫૦ ટકા ટેરિફ થઈ ગયા હતા. આ સિવાય ટ્રમ્પે ઈરાન સાથે વેપાર બદલ પણ વધુ ૨૫ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી, જેથી ભારત પરના ટેરિફ ૭૫ ટકા થવાનું જોખમ હતું. જોકે, પ્રમુખ ટ્રમ્પે આ અંગે હજુ સુધી કોઈ જાહેરનામું બહાર પાડયું નથી તેમજ ભારતે પણ ઈરાનના ચાબહાર બંદર પરનો કારોબાર બંધ કરી દીધો હોવાથી હાલ ભારત પર ૫૦ ટકા ટેરિફ છે. ટ્રમ્પ ૨૫ ટકા ટેરિફ ઘટાડે તો ભારત પર ૨૫ ટકા ટેરિફ રહી જશે.અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે અમેરિકાના ટેરિફના કારણે ભારતીય રિફાઈનરીઓએ રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે સંકેત આપ્યા કે હાલ ટેરિફ હજુ લાગુ છે, પરંતુ તેને હટાવવાનો એક કૂટનીતિક રસ્તો છે. શરત માત્ર એટલી છે કે ભારત પોતાના ઊર્જા સ્રોતોમાં પરિવર્તન લાવે. 

તેમણે ભારપૂર્વક કહ્યું કે, ટેરિફનો વ્યાપારિક ઉપાય અમેરિકાના અર્થતંત્રને નક્કર લાભ પહોંચાડે છે. અમેરિકન કોંગ્રેસમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પર ૫૦૦ ટકા ટેરિફ નાંખવાના બિલ પર ચર્ચા થવાની છે તેવા સમયે સ્કોટ બેસેન્ટે ભારત પર ટેરિફ ઘટાડવાના સંકેતો એવા સમયે આપ્યા છે. 

દરમિયાન યુરોપીયન યુનીયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર નવી દિલ્હી પહોંચી ગયા છે. તેઓ પ્રજાસત્તાક દિવસની ઊજવણીના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ જ સમયમાં ભારત અને યુરોપીયન યુનીયન વેપારની દિશામાં નવો ઈતિહાસ રચવાની નજીક છે. ભારત અને યુરોપીયન યુનીયન વચ્ચે દુનિયાનો સૌથી મોટો વેપાર કરાર થવાનો છે. આ કરારને ઉર્સુલા વોન ડેરે ‘મધર ઓફ ઓલ ડિલ્સ’ ગણાવ્યો હતો.

બીજીબાજુ ક્યુબાએ પણ ભારત સાથે આર્થિક સંબંધો વધારવાની તૈયારી દર્શાવી છે. ભારતમાં ક્યુબાના એમ્બેસેડર જુઆન કાર્લોસ માર્સન એગ્વિલેરાએ કહ્યું કે, ક્યુબા ભારત સાથે બાયોટેક્નોલોજી, હેલ્થકેર, કૃષિ ઉદ્યોગ, ઈન્ફર્મેશન ટેકનોલોજી, વૈકલ્પિક ઊર્જા, સ્પોર્ટ્સ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં આર્થિક સંબંધો વધારવા આતુર છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here