દુનિયામાં એઆઈ ટેક્નોલોજીના વિકાસની સાથે સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડીનું પ્રમાણ પણ વધ્યું છે. ડિજિટલ ફ્રોડથી માત્ર ભારત જ નહીં દુનિયાના દેશો પરેશાન છે. આવા સમયે ચીન, મ્યાંમાર અને થાઈલેન્ડે સાયબર ગુનેગારો વિરુદ્ધ દુનિયાભરમાં ઉદાહરણરૂપ કાર્યવાહી કરી છે. ત્રણેય દેશોની એજન્સીઓએ સાયબર ફ્રોડ વિરુદ્ધ સંયુક્ત કાર્યવાહી કરી છે. તેમણે મ્યાંમારના મ્યાવદ્દી ક્ષેત્રમાં જુગાર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા આકરું પગલું ઉઠાવતા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મ્યાંમારના કેકે પાર્કમાં ૫૦૦ જેટલી ઈમારતો તોડી પાડી હતી અને યાતાઈ ન્યૂ સિટીમાં ડિજિટલ ફ્રોડ કરતા આખા વિસ્તારનો સફાયો કર્યો હતો અને ૯૫૨ને ડીપોર્ટ કરાયા હતા.મ્યાંમારના યાતાઈ ન્યૂ સિટીના આ વિસ્તારની સરખામણી ભારતના ઝારખંડમાં આવેલા ‘જામતારા’ સાથે થઈ શકે છે, જે એક સમયે સાયબર ગુના માટે કુખ્યાત હતું. જોકે, આકરી પોલીસ કાર્યવાહી અને સ્થાનિક લોકોમાં જાગૃતિ પછી હવે આ વિસ્તારમાંથી સાયબર ફ્રોડનું જોખમ ઘટી ગયું છે.

ચીન, મ્યાંમાર અને થાઈલેન્ડની પોલીસે પહેલી વખત સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મ્યાવદ્દીના કેકે પાર્ક, યાતાઈ ન્યૂ સિટી અને અન્ય મોટા જુગારધામો-ઓનલાઈન છેતરપિંડીના પાર્કો પર હુમલા કર્યા હતા. આ ઓપરેશન હેઠળ ચીનના ૯૫૨ નાગરિકોને ડિપોર્ટ કરાયા હતા. આ માહિતી ચીનના જાહેર સુરક્ષા મંત્રાલયના ગુનાઇત તપાસ બ્યુરોના વીચેટ એકાઉન્ટ પર જાહેર કરાઈ હતી.
ચીનના પબ્લિક સિક્યોરિટી વિભાગની એક ટાસ્ક ફોર્સે મ્યાંમાર અને થાઈલેન્ડની કાયદાકીય એજન્સીઓ સાથે મ્યાવદ્દીમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ત્રણેય દેશોએ સમન્વય કરીને જુગાર અને છેતરપિંડીના અડ્ડા ગણાતા ક્ષેત્રો પર દરોડા પાડવાની કાર્યવાહી કરી હતી. ચીને કહ્યું કે, આ વિસ્તારમાં જુગારના અડ્ડા હતા. સાયબર છેતરપિંડી કરતા ગુનેગારોએ લાંબા સમયથી ચીનના નાગરિકોને નિશાન બનાવ્યા હતા અને તેમની સાથે ડિજિટલ છેતરપિંડી કરી રહ્યા હતા. ચીનમાં આ અંગે વ્યાપક ફરિયાદો ઊઠી હતી.
આ વર્ષની શરૂઆતમાં ચીન, મ્યાંમાર અને થાઈલેન્ડે ટેલિકોમ અને ઓનલાઈન છેતરપિંડીનો સામનો કરવા માટે મંત્રીસ્તરીય સમન્વય તંત્ર સ્થાપિત કર્યું હતું, જેના હેઠળ અનેક તબક્કાની સંયુક્ત કાર્યવાહી કરાઈ હતી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ ઓક્ટોબરમાં મ્યાંમારના અધિકારીઓએ ચીન અને થાઈલેન્ડ સાથે અગાઉની સમજૂતી મુજબ મ્યાવદ્દી અને અન્ય ક્ષેત્રોમાં કાર્યવાહી શરૂ કરી હતી. આ સમયે શકમંદોની ધરપકડ કરાઈ હતી અને જુગાર અને ડિજિટલ છેતરપિંડીના અડ્ડા તોડી પાડયા હતા. ત્રણેય દેશોના સંયુક્ત પ્રયાસોથી આ વર્ષે મ્યાવદ્દીમાંથી આ વર્ષ દરમિયાન ઓનલાઈન જુગાર અને છેતરપિંડીમાં સંડોવાયેલા કુલ ૭,૬૦૦ ચીનના નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
ચીનના સ્કેમર્સે સરકારથી બચવા વિદેશીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું
બેઈજિંગ : દુનિયામાં સાયબર ગુનેગારો દ્વારા ડિજિટલ ફ્રોડનું પ્રમાણ વધી રહ્યું છે અને ડિજિટલ કૌભાંડોમાં ચીનના નાગરિકોની સંડોવણી વ્યાપક સ્તર પર હોવાનું સામે આવ્યું છે. તાજેતરના વર્ષોમાં દક્ષિણ-પૂર્વ એશિયામાં મોટાપાયે ડિજિટલ ગુનામાં સંડોવાયેલા ચીની નાગરિકોને ડિપોર્ટ કરાયા હતા. જોકે, પોતાના દેશમાં પાછા ફર્યા પછી સેંકડો ચીની સ્કેમર્સે ફરીથી ડિજિટલ ફ્રોડનું કામ શરૂ કરી દીધું હતું, પરંતુ આ વખતે તેમણે ચીનના નાગરિકોના બદલે વિદેશીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેમનું માનવું છે કે ચીનના નાગરિકોને નિશાન નહીં બનાવવાથી સરકારની કાર્યવાહીમાંથી બચી શકાશે. જોકે, ચીનના સત્તાવાલાઓએ ચેતવણી આપી છે કે ડિજિટલ ફ્રોડના પીડિત કોઈપણ દેશના હશે ડિજિટલ ફ્રોડ કરનારાને છોડાશે નહીં. એક કેસમાં ચીનના સાયબર ગૂનેગારોએ ૬૬,૦૦૦થી વધુ ભારતીય નાગરિકોને નિશાન બનાવીને તેમની પાસેથી ૫૦ લાખ ડોલરથી વધુની રકમ પડાવી લીધી હતી.

