અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું તંત્ર ભારત બાદ હવે ચીન પાછળ પડી ગયું છે. અમેરિકા સતત ચીન પર દબાણ કરીને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરાવવા મથી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાએ આ મામલે ચીનને ધમકી આપી હતી, ત્યારે હવે ચીને પણ તેને વળતો જવાબ આપ્યો છે.

‘જો અમેરિકા અમારા હિતોને નુકસાન કરશે તો અમે પણ જવાબ આપીશું’
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લીન જિયાને કહ્યું કે, ‘અમે જે રીતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહ્યા છે, તે કાયદેસર છે. જો અમેરિકા અમારા હિતોને નુકસાન પહોંચાડશે તો અમે પણ જવાબ આપીશું. અમેરિકાની નીતિ એકતરફી, ધમકીવાળી અને આર્થિક દબાણ કરનારી છે. આવી નીતિથી આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો નબડા પડે છે. આ ઉપરાંત વૈશ્વિક ઉદ્યોગો અને સપ્લાઈ ચેનને પણ નુકસાન કરે છે.’
અમે તમામ દેશો સાથે કાયદેસર વેપાર કરીએ છીએ : ચીન
જિયાને સ્પષ્ટ કહ્યું કે, ‘અમારો દેશ રશિયા સહિત વિશ્વભરના અનેક દેશો સાથે સામાન્ય વેપાર કરી રહ્યો છે તેમજ અમારા અનેક દેશો સાથે ઊર્જા ભાગીદારી પણ છે, જે સંપૂર્ણ કાયદેસર છે.’
તેમણે અમેરિકાના દાવાનો જવાબ આપતા કહ્યું કે, ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ટ્રમ્પને રશિયા પાસેથી તેલ ન ખરીદવાની ખાતરી આપી છે કે નહીં, તે અલગ મુદ્દો છે, પરંતુ ચીન પોતાના સ્વાભાવિક વ્યાપારિક અધિકારોથી પાછળ નહીં હટે.
’ચીની આયાત પર 500% ટેરિફની ધમકી
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) બુધવારે ચીનને ચેતવણી આપી હતી. અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કૉટ બેસેન્ટે ચેતવણી આપી હતી કે, રશિયા સાથે વેપાર કરનાર ચીનથી થતી આયાત પર 500 ટકા સુધીના જંગી ટેરિફ લગાવવા માટે અમેરિકી સેનેટર્સ ટ્રમ્પને અસાધારણ સત્તા આપવા તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે, રશિયા સાથે વેપારના કારણે યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને ફાયદો થઈ રહ્યો છે.
ટ્રમ્પે ભારત પર સાધ્યું નિશાન
ટ્રમ્પે બુધવારે વોશિંગ્ટનમાં કહ્યું હતું કે, અમેરિકા ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાથી ખુશ નથી, કારણ કે આ આયાત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin)ના યુદ્ધને આર્થિક મદદ પૂરી પાડે છે. જોકે, બેસેન્ટે જણાવ્યું હતું કે 85 અમેરિકી સેનેટર્સ આ અભૂતપૂર્વ ટેરિફ લગાવવા માટે ટ્રમ્પને સત્તા આપવા તૈયાર છે.

