ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામને લઈને સમજૂતી થઈ છે. પરંતુ, ટ્રમ્પની એક શરત છે કે, હમાસ હથિયાર હેઠાં મૂકી દે. પરંતુ, હમાસ આ શરત પર કામ નથી કરી રહ્યું અને તેણે હથિયાર મૂકવાનો ઇન્કાર કરી દીધો છે.

હમાસ ગાઝામાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખવા ઈચ્છે છે
હમાસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, હમાસ વચગાળાના સમય દરમિયાન ગાઝામાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખવા ઇચ્છે છે. પરંતુ, હમાસ નિઃશસ્ત્રીકરણ માટે તૈયાર નથી. આ સ્થિતિ યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકન યોજનાઓ સામે ઊભી થતી સૌથી મોટી મુશ્કેલી દર્શાવે છે.
પાંચ વર્ષ સુધી યુદ્ધ વિરામ માટે તૈયાર છે હમાસ
હમાસના સભ્ય મોહમ્મદ નઝ્ઝલે પણ કહ્યું કે, ‘સમૂહ તબાહ થઈ ચૂકેલા ગાઝાના પુનઃનિર્માણ માટે પાંચ વર્ષ સુધી યુદ્ધ વિરામ માટે તૈયાર છે. જોકે, ત્યાર બાદ શું થશે તેની ગેરંટી એ વાત પર નિર્ભર કરશે કે, પેલેસ્ટાઇનને રાજ્યનો દરજ્જો મળવાની આશા આપવામાં આવે છે કે નહીં.’ જોકે, હમાસનું આ વલણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યોજના માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.
ઇઝરાયલે શું કહ્યું?
નઝ્ઝલની ટિપ્પણી પર ઇઝરાયલના પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે, ઇઝરાયલ યુદ્ધવિરામ કરાર પ્રતિ પ્રતિબદ્ધ છે અને આ યોજનાના પોતાના ભાગને જાળવી રાખશે અને પૂર્ણ કરશે. હમાસે પહેલા તબક્કામાં તમામ બંધકોને મુક્ત કરવાના હતા. પરંતુ, તેણે આવું ન કર્યું. હમાસ જાણે છે કે, આપણા બંધકોના મૃતદેહો ક્યાં છે. આ કરાર હેઠળ હમાસને નિઃશસ્ત્ર કરવામાં જોઈએ, તેમાં કોઈ શંકા નથી. હમાસે 20 સૂત્રીય યોજનાનું પાલન કરવું જોઈએ. તેની પાસે સમય ઓછો છે.
