બાંગ્લાદેશની એક કોર્ટે પદભ્રષ્ટ કરાયેલા વડાપ્રધાન શેખ હસીનાને એક સરકારી હાઉસિંગ પ્રોજેક્ટ માટે જમીન ફાળવણીમાં અનિયમિતતા સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના ત્રણ કેસોમાં આજે ૨૧ વર્ષની જેલની સજા ફટકારી છે.

ઢાકા સ્પેશિયલ જજ કોર્ટ-૫ના જજ મોહૅમદ અબ્દુલ્લાહ અલ મામુને ૭૮ વર્ષીય પૂર્વ વડાપ્રધાનને રાજુક ન્યુ ટાઉન પ્રોજેક્ટના ત્રણ ભ્રષ્ટાચાર કેસોમાં સાત-સાત વર્ષની જેલની સજા ફટકારી છે. એટલે કે ત્રણ કેસોમાં કુલ ૨૧ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
ન્યાયમૂર્તિએ દરેક કેસમાં શેખ હસીનાને એક લાખ ટકા નો દંડ પણ ફટકાર્યો છે ઉલ્લેખનીય છે કે ટકા બાંગ્લાદેશની કરન્સી છે. અને જો તે આ દંડની રકમ ન ભરે તો ૧૮ મહિના વધુ જેલની સજા ભોગવવી પડશે.
ન્યાયમૂર્તિ મામુને હસીનાના પુત્ર સાજિબ વાજેબ જોય અને પુત્રી સાઇમા વાજેદ પુતુલને પણ ઢાકા પાસેના હાઉસિંગ પ્રોજેક્ટમાં તેમની વિરુદ્ધ દાખલ કરાયેલ કેસોમાં પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે.
જોય અને પુતુલ પર એક-એક લાખ ટકાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને જો તે આ દંડની રકમ ન ભરે તો જેલની સજામાં વધુ એક મહિનાનો વધારો કરવામાં આવશે.
જજે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે હસીનાને ગેરકાયદેસર રીતે જમીન ફાળવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દસ દિવસ પહેલા જ સ્પેશિયલ ટ્રિબ્યુનલે ગયા વર્ષે વિદ્યાર્થીઓના નેતૃત્ત્વમાં થયેલા દેખાવો સામે ક્રૂર કાર્યવાહી કરવા બદલ મોતની સજા સંભળાવી હતી.

