હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. માંડલ પંથકના શિવાયલોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. ભગવાન શિવલીંગ પર દરરોજ દુધ, જળ, બીલીપત્ર સહિતના વિવિધ દ્રવ્યોથી ભક્તો દ્વારા અભિષેક પુજા અર્ચના કરાય છે. તેની સાથે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં પાર્થેશ્વર પુજનનો પણ અનેરો મહિમા છે. માંડલમાં પણ પવિત્ર શ્રાવણમાં વાર પ્રમાણે થતી શિવ પાર્થેશ્વરની પુજાનું અનેરુ મહત્વ છે.
શ્રાવણ માસમાં દેવોને રીઝવવા સહેલાં છે અને તેમાંય ભોલેનાથને તો સૌથી સહેલા છે એમ મનાય છે. શ્રાવણ માસમાં હિન્દુઓનાં ભક્તિભાવમાં નોંધનીય વધારો જોવા મળે છે. શ્રદ્ધાળુઓ વિવિધ પ્રકારે દેવી દેવતાઓને મનાવે છે.
માંડલ તાલુકામાં પણ કેટલાંક શિવમંદિરોમાં શ્રાવણ માસ દરમ્યાન પાર્થેશ્વર પુજન કરવામાં આવે છે. જોકે ભગવાન તો કણ કણમાં છે ત્યારે ભક્તો દ્વારા માટીના નાના ૧૦૮ કે ૧૫૧ જેટલાં લીંગ બનાવી વિશેષ પાર્થેશ્વર પુજન કરાય છે. માંડલ તાલુકામાં પણ પાર્થેશ્વર પુજનનું વિશિષ્ટ મહત્વ છે. પાર્થેશ્વર પુજન એ કર્મકાંડી ભુદેવો દ્વારા કરવામાં આવતું હોય છે. આ પુજા વહેલી પરોઢે ૪ વાગ્યાથી શરૃ કરવામાં આવે છે અને સંપુર્ણ માટીના લીંગ તૈયાર કરી અબીલ,ગુલાલ,ચંદન અને બીલ્વપત્ર અને પુષ્પો દ્વારા પુજન અને આરતી પણ કરાય છે. સાંજે નાના સ્થાપિત કરાયેલા શિવલીંગોનું વિસર્જન કરી જે તે દિવસની પુજાનું સમાપન કરાય છે.
મહાભારતકાળમાં એવું કહેવાય છે કે, પાંડવોએ શિવજીને પ્રસન્ન કરવા માટે પાર્થેશ્વર પુજન કર્યુ હતું જેનું ફળ પણ પાંડવોઅને મળ્યું હતું. શિવજીને પ્રસન્ન કરવા પાર્વતી માતાએ પણ શિવ પાર્થેશ્વરમાં પુજા કરી હતી. જ્યારે લંકા ઉપર ચઢાઇ કરતા પહેલા ભગવાન શ્રીરામે પણ દરિયા કિનારે શિવની કૃપા મેળવવા આ પુજા કરી હતી.
ક્યાં દિવસે કંઇ આકૃતિ બનાવાય છે
પાર્થેશ્વર પુજનમાં કાળી માટીને પાણીમાં પલાળીને તેના નાના નાના ૧૦૮ જેટલાં લીંગ બનાવીને એક બાજોઠ ઉપર ગોઠવવામાં આવે છે. વચ્ચેમાં એક મોટું શીવલીંગ અને નાગદેવતાને કૃતિ તૈયાર કરવામાં આવે છે. જેના દરેક વારના અલગ અલગ મહત્વ હોય છે. દરેક દિવસે અલગ અલગ આકાર બનાવવામાં આવે છે. પાર્થેશ્વર પુજનમાં સોમવારે નાગપાસ, મંગળવારે ત્રિકોણ, બુધવારે પંચકોણ, ગુરુવારે સ્વસ્તીક,શુક્રવારે પટ્કોણ તથા શનિવારે મેઘધનુપ અને રવિવારે સુર્યની આકૃતિ બનાવવામાં આવે છે.


