આમોદ: રોજા ટંકારીયામાં મોબાઈલ વિવાદે ભડકો, બે પરિવારો વચ્ચે મારામારી, બંને પક્ષોની ફરિયાદ નોંધાઈ

0
73
meetarticle

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામમાં મસ્જિદમાંથી મોબાઈલ ગુમ થવાના એક સામાન્ય મુદ્દે બે પરિવારો વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી. આ મારામારીમાં બંને પક્ષોના સભ્યોને ઈજા પહોંચી હતી. અને મામલો આમોદ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જ્યાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મારામારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ ઘટના ગામમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ રોજા ટંકારીયા ગામના ઈબ્રાહિમ ઈશાકભાઈ વોરા પટેલનો પુત્ર સાહીલ ગત 27મી સપ્ટેમ્બરે નમાઝ પઢવા મસ્જિદમાં ગયો હતો. જ્યાં તેનો મોબાઈલ ગુમ થયો હતો. આ બાબતે ગામના જ જાવીદ ઈબ્રાહિમ વોરા પટેલ પર શંકા રાખીને પૂછપરછ કરવામાં આવી હતી. જોકે પાછળથી મોબાઈલ મળી આવ્યો હતો. પરંતુ પૂછપરછના આ મામલે બંને પરિવારો વચ્ચે મનદુ:ખ ઊભું થયું હતું. મનદુ:ખના કારણે રવિવારે પરિસ્થિતિ વધુ વણસી હતી. ગામના તનવીર ઉસ્માનગીરી પટેલ, ઝુબેર આદમ પટેલ, ઈમરાન આદમ પટેલ, ઝહીર મહમદ ઈબ્રાહિમ પટેલ અને ઇકરામ સાદિક પટેલ મેઈન બજારના ડેલા પાસે ઊભા રહીને અપશબ્દો બોલી રહ્યા હતા. ફરિયાદી ઈબ્રાહિમ ઇશાક પટેલ અને તેમના પરિવારજનો સાહીલ પટેલ, ઇરફાન આદમ પટેલ અને ઈમરાન આદમ પટેલ દ્વારા અપશબ્દો ન બોલવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાંભળીને સામેનો પક્ષ ઉશ્કેરાઈ ગયો અને લાકડાના સપાટા વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં ફરિયાદી પરિવારના સભ્યોને ઈજા પહોંચી હતી. ઈબ્રાહિમ પટેલે આ બાબતે ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

તો બીજી તરફ ઝહીર ઈબ્રાહિમ પટેલે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેઓ બજારમાં ઊભા હતા. ત્યારે ઈબ્રાહિમ ઈશાક પટેલ અને તેમના પરિવારજનોએ આવીને મોબાઈલની પૂછપરછ બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. અને દાદાગીરી કરતા અપશબ્દો બોલ્યા હતા. ઝહીરે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મોબાઈલ મળી ગયો હોવા છતાં તેમના ભાઈ પર શંકા કરવી યોગ્ય ન હોતી. જોકે આ મુદ્દે ઉશ્કેરાઈ ગયેલા ઈબ્રાહિમ પટેલના પક્ષે લાકડાના સપાટા વડે મારામારી કરી તેમને ઈજા પહોંચાડી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે પણ ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આમોદ પોલીસે બંને પક્ષોની પરસ્પર ફરિયાદો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે. મસ્જિદમાંથી મોબાઈલ ગુમ થવાના એક નાના વિવાદે બે પરિવારો વચ્ચે સર્જેલી આ મારામારીની ઘટનાનો વિડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here