પાટડીમાં વિરમગામ રોડ પર બસ સ્ટેન્ડ પાસેની ખુલ્લી ચોમાસું ગટર સ્થાનિકો માટે માથાનો દુઃખાવો બની છે. બારે માસ પાણીનો નિકાલ થતી આ ગટર ગંદકીથી ખદબદી ઊઠી છે, જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને મુસાફરો તેમજ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાટડી શહેર અન્ય ગટરો ઢાંકી દેવાઈ છે, પરંતુ વિરમગામ દરવાજા બહારની આ વર્ષોે જૂની ગટર ખુલ્લી હોવાથી સફાઈના થોડા જ દિવસોમાં ફરીથી કાદવ-કીચડથી ભરાઈ જાય છે. પાટડી નગરપાલિકાએ આ ગટરની વચ્ચેથી જ નર્મદાના પીવાના પાણીની પાઇપલાઇન પસાર કરી છે, જે પાણીના પ્રવાહને રોકે છે અને કાદવનું સામ્રાજ્ય સર્જે છે. ખુલ્લી ગટરના કારણે બાળકો પડી જવાનો ભય રહે છે. કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ ગટરને ઢાંકી દેવા અને પાઇપલાઇન હટાવવાની સખ્ત માંગ ઉઠી છે.

