વર્તમાન વિજ્ઞાન યુગમાં બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું મર્યાદિત ન રાખતાં, તેમને પ્રાયોગિક વિજ્ઞાનનું જ્ઞાન મળી રહે તે હેતુથી ક્લસ્ટર રિસોર્સ સેન્ટર દ્વારા નબીપુર કન્યાશાળા ખાતે ગણિત અને વિજ્ઞાન મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

નબીપુર તથા આસપાસના ગામની કન્યા અને કુમારશાળાઓના વિદ્યાર્થીઓએ આ મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કુલ ૩૨ જેટલી કૃતિઓ પ્રદર્શિત કરી હતી. બાળકોએ વિજ્ઞાનના વિવિધ વિષયો પર કૃતિઓ બનાવી, જેમાં મુખ્યત્વે પર્યાવરણ સંરક્ષણના મુદ્દાને આવરી લેવાયો હતો. વિદ્યાર્થીઓએ પર્યાવરણને થતા નુકસાનથી તેને કઈ રીતે બચાવી શકાય તે વિશેની સમજ આપી હતી.
મેળાની શરૂઆત કન્યાશાળાના પટાંગણમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણા અને કોસાધ્યક્ષ ઇકબાલ પટેલ તેમજ વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો, ગામના ડેપ્યુટી સરપંચ, સભ્યો, વાલીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખના હસ્તે રિબિન કાપીને પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
દરેક વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ વિશે પ્રદર્શન નિહાળવા આવનારા મુલાકાતીઓને વિસ્તૃત માહિતી આપી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ કન્યાશાળાના આચાર્ય કાજલબેને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મેળા થકી બાળકોને વિજ્ઞાન અને ગણિત પ્રત્યે રસ અને જાગૃતિ કેળવવાનો એક સુંદર મંચ પ્રાપ્ત થયો હતો.

