વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના અરજદારો અને ખેડૂતોએ ગામના તલાટીની ઘોર બેદરકારી અને મનમાનીથી ત્રાસીને આખરે વાગરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, તલાટી સમયસર પંચાયતમાં હાજર રહેતા નથી અને સરકારી કામોમાં જાણી જોઈને વિલંબ કરીને હેરાનગતિ કરે છે. ગ્રામજનોએ TDO ને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, તેઓ ખેતીમાં થયેલા નુકશાની અંગેનો દાખલો કઢાવવા માટે ગ્રામ પંચાયતમાં ગયા હતા. ત્યારે તલાટીએ દાખલો કાઢી આપવાને બદલે સૌપ્રથમ વેરાની માંગણી કરી હતી. જ્યારે ગ્રામજનો બીજા દિવસે વેરો ભરવા માટે તૈયાર થઈને ગયા તો તલાટીએ કહ્યું કે અમો આજે કામમાં છીએ, અત્યારે વેરો નહીં ભરાય. તલાટીના આવા બેજવાબદાર વર્તનને કારણે અરજદારોને અન્યાય થતાં આજરોજ ગ્રામજનોએ ભેગા મળીને નુકશાનીનું ફોર્મ ભરવા અંગેનો દાખલો લખી આપવા માટે સીધી TDO ને રજૂઆત કરી હતી.

ગ્રામજનોની મુખ્ય ફરિયાદ તલાટીની અનિયમિત હાજરી અંગેની છે. ગ્રામજનોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, અમારા ગામમાં તલાટી સમયસર આવતા જ નથી. તેઓ બપોરે ૧૨ વાગ્યા સુધી હાજર રહેતા નથી. જો કદાચ ૧૨ અથવા ૧ વાગ્યે આવે પણ છે, તો માત્ર એકાદ કલાકમાં જ એટલે કે ૨ વાગ્યે ચાલ્યા જાય છે. તલાટીની આ પ્રકારની અનિયમિતતાને કારણે ગ્રામજનોના સરકારી કામો અટકી પડે છે અને તેમને વારંવાર ધક્કા ખાવા પડે છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે તલાટીની આ બેદરકારી અને અનિયમિતતા અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ પગલાં લેવાયા નથી. તલાટીની મનમાનીથી કંટાળેલા ગ્રામજનોએ TDO સમક્ષ કડક શબ્દોમાં આ તલાટીની તાત્કાલિક બદલી કરવા માટે માંગ કરી છે, જેથી ગ્રામજનોના કામ સરળતાથી થઈ શકે અને તેમને થતી હાલાકીનો અંત આવે. વસ્તી ખંડાલી ગામના ત્રાસેલા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કર્યા બાદ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તલાટીની મનમાની અને સમયસર હાજર ન રહેવાની સમસ્યાનું તાત્કાલિક ધોરણે સમાધાન લાવવામાં નહીં આવે અને આ તલાટીની બદલી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને વાગરા તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરશે. ગ્રામજનોએ જણાવ્યું છે કે અનિયમિતતાના કારણે તેમના સરકારી કામો અને ખાસ કરીને ખેતીના નુકશાનીના દાખલા જેવા મહત્ત્વના કાર્યો અટકી પડ્યા છે. જેનાથી તેઓને ભારે આર્થિક અને માનસિક હાલાકી ભોગવવી પડી રહી છે. TDO આ મામલે તપાસ કરીને યોગ્ય પગલાં ભરે તે જરૂરી જણાય રહ્યું છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

