સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા સ્ટેડિયમ પાસેની સ્નેહાંજલિ ગર્લ્સ હોસ્ટેલમાં મીટર પેટીમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાને કારણે હોસ્ટેલમાં રહેતી તમામ વિદ્યાર્થીનીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક સુરક્ષિત સ્થળે બહાર દોડી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે.


આ હોસ્ટેલમાં સોલર પેનલ ઇન્સ્ટોલ કરવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન પાવર સપ્લાય વધી જતાં મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થઈ અને આગ લાગી હતી. સમગ્ર ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. જોકે આગ વધુ ફેલાઈ ન હોવાથી અને સમયસર કાર્યવાહી થવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
હોસ્ટેલ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીનીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તેમને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર ઇલેક્ટ્રિકલ સુરક્ષા અને ઇમારતોમાં અગ્નિશમન વ્યવસ્થાની યોગ્યતા અંગે સવાલો ઉભા કર્યા છે. હોસ્ટેલ પ્રશાસન અને સત્તાવાળાઓ દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

