સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર-વઢવાણ હાઈવે પર કુમાર ગામ નજીક એક અત્યંત કરૂણ અને કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર સામસામે ધડાકાભેર ટકરાતાં એક કારમાં આગ લાગી હતી. આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના 8 સભ્યોના જીવતા ભડથું થઈ જવાથી કરુણ મોત નિપજ્યા હતા. તેમજ 2 લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. મૃતકોમાં એક પુરૂષ, ચાર મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.
એક જ પરિવારના 8 લોકોના કરૂણ મોત
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અથડાયા બાદ તરત જ તેમાં આગ લાગી ગઈ. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો. પરિણામે તેઓ કારમાં જ જીવતા સળગી ગયા હતા. મૃતદેહો એટલા બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે.
તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું અનુમાન
અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ તમામ મૃતકો એક જ પરિવારના સભ્યો હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ એક કલાકની મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યાર બાદ પોલીસની ટીમ અને 108ની ટીમે મળીને બળેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનાને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો.



