રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ વિષયક પરિસંવાદ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ વિશ્વપટલ પર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ અવસરે રાજ્યપાલે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને તેમની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવાંજલી અર્પી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિશ્વની સૌથી વિશાળ સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને નિહાળી પ્રતિમાના નિર્માણ માટેની માહિતી સાથે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતાનું જીવંત પ્રતિક ગણાવીને સરદાર સાહેબની પ્રતિમાને ભાવવંદના કરી હતી. તે વેળાએ રાજ્યપાલ ના મુખે આનંદ અને ગૌરવની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ભવ્ય પ્રતિમા નથી, પરંતુ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં તેમણે સરદાર સાહેબના જીવનપ્રસંગો, પ્રતિમાના નિર્માણ પ્રક્રિયા અને ભારતના એકીકરણ માટેના સંઘર્ષોને સુંદર રીતે રજૂ કરવામાં આવેલી વિશાળ ફોટોપ્રદર્શન ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. સાથે જ, વ્યૂઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમ, વિદ્યાંચલ-સાતપુડાની ગિરિકંદરાઓ અને પ્રાકૃતિક સૌંદર્યને પણ તેઓએ નજરે નિહાળી પ્રભાવિત થયા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ તેમણે બાજુમાં આવેલી જંગલ સફારીની મુલાકાત લીધી હતી. જ્યાં ઝીબ્રા, ચિંપાન્ઝી, સાપની વિવિધ પ્રજાતિઓ, પશુ-પક્ષી અને ખાસ કરીને જળચર ગેંડો (ખુશી) જોઈને આનંદિત થયા હતા. મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા અને ગાઈડ હેમબેન ભટ્ટે રાજ્યપાલને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત દરમિયાન રસપ્રદ અને ઝીણવટભરી માહિતી આપી હતી.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા



