VADODARA : આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યૂ, ગુજરાતમાં પહેલો અને ભારતમાં સાતમો

0
61
meetarticle

કાચબાનો રંગ સામાન્ય રીતે ભૂખરો, લીલાશ પડતો કે પછી ભૂરો હોય છે પરંતુ વડોદરાના તરસાલી- ધનિયાવી રોડ પરથી આજે પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો આલ્બિનો કાચબો જોવા મળ્યો હતો. આ કાચબાને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સુપરત કરવામાં આવ્યો છે.

શહેરની સંસ્થા ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના એક્ટિવિસ્ટ રમેશ યાઈશે કહ્યું હતું કે, આજે બપોરના સમયે અમને કાચબાની જાણકારી આપતો કોલ આવ્યો હતો. સ્થળ પર જઈને જોયું તો પીળા રંગનો અને ઈન્ડિયન ફ્‌લેપશેલ ટર્ટલ પ્રજાતિનો લગભગ 10 ઈંચ લાંબો કાચબો જોવા મળ્યો હતો.જેની અંદાજીત વય એક વર્ષ હોઈ શકે છે.

આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યુ

સામાન્ય રીતે કાચબા ભૂખરા અને ઘેરા રંગના હોય છે પરંતુ લાખોમાં એક કેસમાં આનુવંશિક ખામી(જિનેટિક ડિફેકટ)ના કારણે કાચબામાં રંગદ્રવ્યો(મેલેનિન)નું ઉત્પાદન થતું નથી. કાચબા સીવાય અન્ય પ્રાણીઓમાં પણ આવા કેસ જોવા મળે છે. રંગદ્રવ્યોના અભાવે તેમની ત્વચા, વાળ, ભિંગડા સફેદ અથવા હળવા રંગના હોય છે. તેમની આંખો ગુલાબી કે લાલ રંગની હોય છે. કારણ કે રંગદ્રવ્યના અભાવે આંખોમાં રહેલી રક્તવાહિનીઓ સ્પષ્ટ દેખાય છે.

ગુજરાતમાં પહેલો અને ભારતમાં જોવા મળેલો સાતમો પીળા રંગનો કાચબો 

આલ્બિનો પ્રાણીઓમાં પ્રકાશ પ્રત્યેની સંવેદનશીલતા પણ વઘુ હોય છે. રમેશ યાઈશના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કદાચ પીળા રંગનો કાચબો મળ્યો હોય તેવો પહેલો અને સમગ્ર ભારતમાં સાતમો કિસ્સો છે. અગાઉ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં પીળા રંગના કાચબા મળ્યા છે. આ કાચબો શિડ્યુલ વન કેટેગરીમાં આવતો હોવાથી તેને વન વિભાગને સુપરત કર્યો છે.

કાચબાને સંરક્ષણમાં રાખી સારવાર શરુ કરાઈ છેઃ વન વિભાગ 

વનવિભાગના રેન્જ ઓફિસર કરણસિંહ રાજપૂતે કહ્યું હતું કે, અમને તળાવ પાસે અજોડ રંગનો કાચબો દેખાયો હોવાનો કોલ આવ્યો હતો. અમારી ટીમે તેને રેસ્ક્યૂ કરીને વન વિભાગના શેલ્ટરમાં રાખ્યો છે. ગુજરાતમાં આ પ્રકારનો કાચબો કદાચ પહેલી વખત દેખાયો છે. આ કાચબાનું સંરક્ષણ અને સારવાર શરુ કરવામાં આવી છે.

ઈન્ડિયન ફ્‌લેપશેલ ટર્ટલ ક્યાં જોવા મળે છે?

ઇન્ડિયન ફ્‌લેપશેલ ટર્ટલ મુખ્યત્વે દક્ષિણ એશિયાના દેશો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારમાં જોવા મળે છે. તે ખાસ કરીને નદીઓ, ઝરણા, તળાવો, નહેરો અને ખાબોચિયા જેવા તાજા પાણીના સ્થળોએ રહે છે. આ કાચબાને રેતીવાળા, કાદવવાળા કે તળિયાવાળા પાણીના સ્થળો વધુ પસંદ હોય છે. કારણ કે તેમને જમીનમાં ભરાઈ રહેવાની ટેવ હોય છે. આ પ્રજાતિ ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળે છે.

આલ્બિનો પ્રાણીઓ માટે અસ્તિત્વ ટકાવવું પડકારજનક હોય છે

આલ્બિનો પ્રાણીઓ પ્રકૃતિમાં ખૂબ જ દુર્લભ હોય છે. તેઓ ચિંતાનો વિષય એટલા કહેવાય છે કારણ કે તેમની અસામાન્ય શારીરિક લાક્ષણિકતાઓ તેમને કુદરતી વાતાવરણમાં ટકી રહેવા માટે ઘણા પડકારો ઊભા કરે છે. આલ્બિનો કાચબા કે અન્ય પ્રાણીઓનો રંગ સફેદ હોવાથી તેઓ તેમના કુદરતી રહેઠાણ (જેમ કે જંગલ, પાણી)માં સરળતાથી ઘ્યાન ખેંચે છે. આના કારણે તેઓ શિકારીઓને સરળતાથી દેખાઈ જાય છે અને તેમનો શિકાર થવાની સંભાવના ઘણી વધી જાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here