LICમાં કાયમી નોકરી આપવાના નામે કૌભાંડ આચરવામાં આવ્યું છે. 400થી વધુ લોકોને નોકરી આપવાનો વિશ્વાસ આપીને રૂપિયા 1 કરોડનો ચૂનો લગાવ્યો છે. આર્થિક ગુના નિવારણ શાખાએ છેતરપિંડી કેસમાં ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીના ગુના નોંધાયા છે, ત્યારે કોણ છે આ ઠગ જોઈએ આ અહેવાલમાં.
નોકરી આપવાનું કહીને રૂપિયા 5 હજારથી 10 હજાર વ્યક્તિ દીઠ પડાવ્યા
આર્થિક ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં રહેલા ઠગ ચીકેશ શાહની છેતરપિંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઠગે LICમાં કાયમી નોકરી આપવાના નામે છેતરપિંડી કરી છે. છેતરપિંડી કેસની વાત કરીએ તો LIC કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ કાયમી થવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ કેસનું કોઈ નિરાકરણ નહીં આવતા કર્મચારીઓમાં અસંતોષ હતો. આ દરમિયાન મંદિરમાં એક કર્મચારીને ઠગ ચીકેશ શાહ મળ્યો હતો અને તેણે મુખ્યમંત્રી તેમજ દિલ્હીમાં અધિકારી સાથે સંપર્ક હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ આરોપી ઠગ ચીકેશ LICમાં કાયમી નોકરી આપવાનું કહીને રૂપિયા 5 હજારથી 10 હજાર વ્યક્તિ દીઠ પડાવ્યા હતા. આ પ્રકારે ગુજરાતના 400થી વધુ કોન્ટ્રાકટ પર રહેલા કર્મચારીઓ પાસેથી રૂપિયા એક કરોડ જેટલી રોકડ મેળવીને છેતરપિંડી આચરી હતી. જેમાં આર્થિક ગુના નિવારણ શાખામાં અલગ અલગ બે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.


