પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષકોની હાજરીમાં વાગરા કોંગ્રેસ કાર્યાલય ખાતે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય તાલુકા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવાનો હતો, જેના ભાગરૂપે તાલુકાના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કોંગ્રેસના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસના ભાગરૂપે આયોજિત આ બેઠકમાં પ્રદેશમાંથી પધારેલા નિરીક્ષકો મનહરભાઈ પટેલ અને ધનસુખભાઈ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, તાલુકા પ્રમુખ આસિફ પટેલ અને વાગરા તેમજ આસપાસના ગામોના અનેક આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સ્થાનિક નેતાઓએ પક્ષની આગામી રણનીતિ અંગે પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા. આ સેન્સ પ્રક્રિયા દ્વારા પક્ષના કાર્યકર્તાઓના મંતવ્યો અને ભલામણો જાણીને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે જેથી સંગઠનને નવી દિશા અને ગતિ મળી શકે. આ બેઠક કોંગ્રેસના સંગઠનાત્મક માળખાને વધુ સશક્ત બનાવવા માટેનું એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા


