GUJARAT : ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની છોટાઉદેપુર જિલ્લાકક્ષાની ઉજવણી ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી

0
57
meetarticle

આઝાદીના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની છોટાઉદેપુર જિલ્લાકક્ષાની ઉજવણી ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતું. કલેકટરએ પોલીસ પરેડનું નિરિક્ષણ કરી ઉપસ્થિત સહુનુ અભિવાદન કર્યું હતું.

સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, આઝાદીની લડાઈમાં પોતાની જિંદગી ખપાવી દેનારા તમામ વીર શહીદોને આજે શ્રદ્ધાંજલી આપવાનો દિવસ છે.તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આઝાદીનું પર્વ આપણને એ દિશામાં સંકલ્પબદ્ધ થવાની પ્રેરણા આપે છે. ગુજરાત દિન-પ્રતિદિન વિકાસની નવી ઉંચાઈઓ સર કરી ઉત્તમથી સર્વોત્તમ ગુજરાત બની રહ્યું છે.

 


આ પ્રસંગે જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે આજથી ૧૨ વર્ષ પહેલાં એટલે કે ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. છોટાઉદેપુરમાં નૃત્ય, સંગીત, વેશભૂષા, પીઠોરા ચિત્રકળા, કાષ્ઠ શિલ્પોનો સમન્વય ધરાવતી ભાતીગળ લોકસંસ્કૃતિ, મેળાઓ અને વિવિધ પરંપરાઓ અહીંની સંસ્કૃતિને ધબકતી રાખે છે.

છોટાઉદેપુર જિલ્લાના વિકાસકર્યોની માહિતી આપતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૨ વર્ષમાં જિલ્લામાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. જિલ્લાના નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, પાણી, રોડ-રસ્તા, સિંચાઈનું પાણી સહિતની સુખાકારી પ્રાપ્ત થઈ છે. જિલ્લાના નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો બોહોળા પ્રમાણમાં લાભ પ્રાપ્ત થયો છે. છોટાઉદેપુરના વિકાસ માટે હંમેશાં સરકાર દ્વારા સાતત્યપૂર્ણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ જિલ્લાના ૬૫ ગામોમાં પ્રાથમિક સુવિધાઓ માટે રૂપિયા ૧૧ કરોડથી વધુનાં વિકાસકાર્યો હાથ ધરાયાં છે. આરોગ્ય વિભાગને સંલગ્ન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ૫ લાખ ૭૦ હજારથી વધુ તેમજ આયુષ્યમાન વયવંદના અંતર્ગત ૩૧ હજારથી વધુ કાર્ડ કાઢવામાં આવ્યાં છે.

ન્યુ ગુજરાત પેટર્ન ૧૦ ટકા યોજના અંતર્ગત ૧૬૬૩ થી વધુ કામો મંજૂર કરવામાં આવ્યાં છે. જિલ્લાના બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી ૯૧૦ શાળાઓમાં ૮૫ હજાર બાળકોને ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કૃષિ વૈવિધ્યકરણ યોજના, મીની ટ્રેક્ટર અને રોટાવેટર, થ્રેસર ખરીદી માટેની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણને પરિણામે ખેત ઉત્પાદનમાં પણ વધારો થયો છે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે લોન, કોમર્શિયલ પાયલોટ લાયસન્સ/ટ્રેઈની પાયલોટ લોન, સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ સહિત અનેકવિધ યોજનાઓનો લાભ નાગરિકોને આપવામાં આવી રહ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ છે. આઝાદીના આ પાવન પર્વે આપણે સૌ સાથે મળીને છોટાઉદેપુર જિલ્લાને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાના કોલને સાકાર કરીયે એમ જણાવ્યું હતું.

સ્વાતંત્ર પર્વની વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ શાળાઓના પ્રથમ, દ્રિતીય તથા તૃતીય ક્રમાંકે આવેલ કૃતિઓને રોકડ પુરષ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૫ જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે છોટાઉદેપુર તાલુકાના વિકાસના કામો માટે રૂ.૨૫ લાખનો ચેક મામલતદાર છોટાઉદેપુરને આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

૭૯મા સ્વાતંત્ર દિવસની ઉજવણીના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, પ્રાયોજના વહિવટદાર કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, મદદનીશ પોલીસ અધીક્ષક ગૌરવ અગ્રવાલ, મદદનીશ કલેકટર મુસ્કાન ડાગર, નિવાસી અધિક કલેકટર શૈલેશ ગોકલાણી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, નાગરિકો સહીત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here