NATIONAL : જીએસટી ચાર નહીં માત્ર બે સ્લેબમાં લેવાશે : કરદાતાઓને રાહતનો સંકેત

0
55
meetarticle

અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ટેરિફ વોરની સમસ્યા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી જીએસટીમાં વ્યાપક સુધારાની જાહેરાત કરી હતી. ત્યાર પછી નાણામંત્રાલે જીએસટીમાં વર્તમાન ચાર સ્લેબને બે સ્લેબમાં પરિવર્તિ કરવાની દરખાસ્ત કરી છે. આ સાથે કેન્દ્રના સૂત્રોએ રવિવારે કહ્યું કે, નેક્સ્ટ જેન જીેસટીના સુધારા ભવિષ્યમાં સિંગલ જીએસટીની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.

વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને એક રાષ્ટ્ર-એક ટેક્સ વ્યવસ્થા તરફ આગળ વધારવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે.

દેશમાં હાલમાં જીએસટીમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના ચાર સ્લેબ લાગુ છે. પીએમ મોદીની જીએસટીમાં સુધારાની જાહેરાત હેઠળ ૧૨ ટકા અને ૨૮ ટકા સ્લેબ ખતમ કરીને માત્ર ૫ ટકા અને ૧૮ ટકા સ્લેબ રાખવામાં આવશે. અત્યારે ૧૨ ટકા ટેક્સના દાયરામાં આવતી ૯૯ ટકા વસ્તુઓનો ૫ ટકાના સ્લેબ હેઠળ સમાવેશ કરવાનું સૂચન છે. બીજીબાજુ ૨૮ ટકા ટેક્સમાં આવતી લગભગ ૯૦ ટકા વસ્તુઓને ૧૮ ટકા જીએસટી હેઠળ આવરી લેવાશે. જીએસટી પરિષદની સપ્ટેમ્બરમાં યોજાનારી બેઠકમાં જીએસટીના ચારમાંથી બે સ્લેબ કરવાના નાણા મંત્રાલયના પ્રસ્તાવને મંજૂર કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, નેક્સ્ટ જેન જીએસટીમાં પણ પેટ્રોલિયમ ઉત્પાદનોને બહાર રાખવામાં આવે તેવી શક્યતા છે જ્યારે હીર અને કિંમતી પથ્થરો જેવા કામદાર અને નિકાસ આધારિત ઉત્પાદનો પર સમાન દરે કર લાગતો રહેશે.

નાણામંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, ટેક્સ ઘટાડવાનો આશય લોકોના ખીસ્સામાં વધુ રૂપિયા રાખવાનો છે, જેથી વપરાશ વધે. તેમનું માનવું છે કે ઓછા ટેક્સથી વસ્તુઓના ભાવ ઘટશે, જેના પરિણામે માગ વધશે અને અર્થતંત્રને મજબૂતી મળશે. એક અધિકારીએ કહ્યું કે, નીચા ટેક્સનો અર્થ લોકો પાસે વધુ રૂપિયા હશે અને તેની સીધી અસર બજાર પર જોવા મળશે. સરકારનું માનવું છે કે શરૂઆતમાં ભલે સરકારની આવક પર અસર થશે, પરંતુ વપરાશ વધતા આ નુકસાન ભરપાઈ થઈ જશે.

સૂત્રો મુજબ આ સુધારા પર છ મહિના કરતા વધુ સમયથી અનેક બેઠકોમાં ચર્ચા થઈ હતી. દરેક વસ્તુની અલગ અલગ સમીક્ષા કરાઈ હતી. ખેડૂતો માટે જંતુનાશક હોય કે વિદ્યાર્થીઓ માટે પેન્સિલ કે એમએસએમઈ માટે કાચો માલ. આ બધાને ધ્યાનમાં રાખતા વસ્તુઓને ‘મેરિટ ગુડ્સ’ અને ‘સ્ટાન્ડર્ડ ગૂડ્સ’માં વિભાજિત કરાયા છે. અધિકારીઓનું કહેવું છે કે આ માત્ર ટૂંકાગાળાનું સમાધાન નથી પરંતુ એક સ્થાયી માળખું હશે, જે ટેક્સમાં સ્થિરતા લાવશે અને ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) જેવી સમસ્યાઓને પણ દૂર કરશે.

સૂત્રો મુજબ ભારત અત્યારે અલગ અલગ આવક અને વપરાશ ક્ષમતાવાળો દેશ છે, તેથી સિંગલ જીએસટી દરનો સમય હજુ આવ્યો નથી, પરંતુ જેમ જેમ ભારત વિકસિત દેશોની લાઈનમાં આવશે તેમ આ ટેક્સ સિંગલ થઈ જશે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે ત્યારે સિંગલ સ્લેબ જીએસટી લાગુ કરવાની સંભાવના વધી જશે. અત્યારનું નેક્સ્ટ જેન જીએસટી આ લક્ષ્ય સુધી પહોંચવાનો પૂર્વાભ્યાસ માનવામાં આવે છે.

આ સુધારા એવા સમયે થઈ રહ્યા છે જ્યારે જીએસટી આવક સ્થિર રહી છે, મેક્રોઈકોનોમિક સંકેતકોમાં સુધારો થયો છે અને આગામી સમયમાં મુક્ત વેપાર કરારો થઈ રહ્યા છે. ઉદ્યોગના નિષ્ણાંતો સામાન્ય વસ્તુઓની કિંમતમાં નોંધપાત્ર ઘટાડાની અપેક્ષા રાખે છે જેનાથી માગ વધશે. ૧૨ ટકાનો સ્લેબ હટાવવાથી મધ્યમ વર્ગ, ખેડૂતો, મહિલાઓ અને વિદ્યાર્થીઓને લાભ થવાની આશા છે. જીએસટી કાઉન્સિલ દ્વારા સપ્ટેમ્બરમાં મંત્રીઓના જૂથની ભલામણોની સમીક્ષા સાથે જ સરકાર તેના ઝડપી અમલ કરવા ઈચ્છે છે જેથી દિવાળી પહેલાં જ નાગરિકોને લાભ મળે તે સુનિશ્ચિત કરી શકાય.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજ્યોને અપીલ કરી છે કે દિવાળી પહેલાં કેન્દ્ર સરકારના આગામી પેઢીના જીએસટી સુધારાના અમલને દિવાળી પહેલા જ લાગુ કરવામાં રાજ્યો મદદ કરે. જીએસટીમાં સુધારાનો મુસદ્દો રાજ્યોને આપી દેવાયો છે. અમારા માટે સુધારાનો અર્થ સુશાસનને આગળ વધારવાનો છે. સરકાર સતત સુધારા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. આ સુધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે નાના અને મોટા ઉદ્યોગપતિઓને પણ લાભ થશે. આ સુધારાનો આશય જીએસટીને સરળ બનાવવા અને દરોમાં સંશોધન કરવાનો છે. આ દિવાળીએ લોકોને જીએસટીમાં સુધારાથી બમણું બોનસ મળશે.

 

૧૨ કે ૧૮ ટકાના સ્લેબમાં આવતી વસ્તુઓ કે જે સસ્તી થશે

– ટૂથ પાઉડર

– સાબુ

– ટૂથ પેસ્ટ

– છત્રી

– મોબાઇલ

– પ્રોસેસ્ડ ફૂડ

– કોમ્પ્યુટર

– સિલાઇ મશીન

– વોટર ફિલ્ટર અને પ્યુરીફાયર

– પ્રેશર કૂકર

– ઇલેક્ટ્રિક આયર્ન

– વોટર હીટર

– વેક્યુમ ક્લિનર

– રેડીમેડ ગારમેન્ટ

ફૂટવેર

– વેક્સિન

આયુર્વેદિક અને યુનાની દવાઓ

– સાયકલ

– લિકવિડ સાબુ

– પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનો

૧૮  અને ૨૮ ટકાના સ્લેબમાં આવતી વસ્તુઓ કે જે સસ્તી થશે

– વીમો

– સિમેન્ટ

– રેડી મિક્સ ક્રોંકિટ

– એર કન્ડિશનર

– ટેલિવિઝન

– રેફ્રીજરેટર

– વોશિંગ મશીન

– કાર અને મોટરસાયકલની સીટ

– ડિશવોશર

– અંગત વપરાશ માટેનું એરક્રાફટ

– શુગર સિરપ

– રબરના ટાયર

– એલ્યુમિનિયમ ફોઇલ

– રેઝર

– પેડિક્યોર કીટ

– પ્રિન્ટર

કોમર્શિયલ પ્લાસ્ટિક વસ્તુઓ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here