કોસંબા નજીક નેશનલ હાઇવે નંબર 48 પર શિયાલજ પાટીયા પાસે એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં એક યુવતીનું કરુણ મોત નિપજ્યું છે. આ દુર્ઘટના ડમ્પરની ટક્કરથી થઈ હતી, જ્યારે યુવતી પોતાના મામા સાથે મોટરસાયકલ પર સવાર થઈને જઈ રહી હતી.
અંકલેશ્વરના બોરભાઠા ગામની રહેવાસી હીનાબેન ગોવિંદભાઈ (ઉ.વ. 20) પોતાના મામા સાથે મોટરસાયકલ પર કીમ ચાર રસ્તા થઈને શેઠી ગામ તરફ જઈ રહ્યા હતા. કોસંબાથી આગળ શિયાલજ પાટીયા પાસે એક પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે તેમની મોટરસાયકલને અડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પાછળ બેઠેલી હીનાબેનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની શોધખોળ શરૂ કરી છે. નેશનલ હાઈવે 48 પર વધી રહેલા અકસ્માતોને કારણે વાહનચાલકો અને મુસાફરોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે.


