GUJARAT : દિવાળી પહેલાં મોંઘવારીનો માર! અમદાવાદમાં ફટાકડાના ભાવમાં 25% સુધીનો ઉછાળો, ખરીદી ખિસ્સાને પડશે ભારે

0
3
meetarticle

દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ફટાકડાની ખરીદીનું બજેટ આ વર્ષે વધી ગયું છે. તહેવારોની ઉજવણી વચ્ચે ફટાકડાના ભાવમાં 25% સુધીનો વધારો નોંધાતાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોના ખિસ્સા પર ભાર વધ્યો છે. પહેલેથી જ જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ વચ્ચે હવે દિવાળીની આતશબાજી પણ મોંઘી બની છે. નાના બાળકો માટેના સામાન્ય ફટાકડાથી લઈને આકાશમાં રંગબેરંગી રોશની ફેલાવતા ફેન્સી સ્કાય શોટ્સ સુધીની વિવિધ વસ્તુઓના ભાવ વધતાં પરિવારોએ ખરીદી માટેનું બજેટ ફરીથી નક્કી કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદના ફટાકડા બજારોમાં ખરીદદારોની નજર ભાવ પર

અમદાવાદમાં દિલ્હી દરવાજા, રાયપુર-ખાડિયા, કાલુપુર, લાલ દરવાજા, ગોતા અને એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં ફટાકડાની ખરીદી માટે બજારો તૈયાર છે. જોકે, વેપારીઓના જણાવ્યા અનુસાર શરૂઆતમાં વેચાણની ગતિ ધીમી છે. દિવાળી નજીક આવતાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે અને બજારમાં ખરીદીનો માહોલ જામશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. બીજી તરફ, ભાવવધારાને કારણે ગ્રાહકો ખરીદી કરતાં પહેલાં અલગ-અલગ દુકાનોમાં ભાવની સરખામણી કરી રહ્યા છે. અગાઉ મર્યાદિત બજેટમાં ફટાકડાનું બોક્સ ખરીદતા પરિવારોને હવે વધુ ખર્ચ કરવો પડી શકે છે.

કોઠીથી સ્કાય શોટ્સ સુધી, જાણો ફટાકડાના નવા ભાવ

આ વર્ષે વિવિધ પ્રકારના ફટાકડાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોઠી-ચકડીની કિંમત ₹120થી ₹150, જ્યારે તારામંડળના ભાવ ₹60થી ₹90 સુધી પહોંચ્યા છે. 555 અને મરચી બોમ્બની કિંમત ₹150થી ₹180 જણાવવામાં આવી છે. ફેન્સી સ્કાય શોટ્સના ભાવ ₹250થી શરૂ થઈને ₹3,000 સુધી છે. આ ઉપરાંત, ફટાકડાની લૂમની કિંમત ₹150થી લઈને ₹4,000 સુધીની છે. બાળકો માટેના મેજિક પોપ્સ, પેન્સિલ, રોકેટ અને હેલિકોપ્ટર જેવા ફટાકડા ₹50થી ₹500ના ભાવે મળી રહ્યા છે. જ્યારે વિવિધ પ્રકારના ફટાકડાં ધરાવતા દિવાળી ગિફ્ટ બોક્સની કિંમત ₹500થી ₹5,000 સુધી છે.

કાચા માલ અને પરિવહન ખર્ચ વધતાં ભાવમાં ઉછાળો

ફટાકડાના ભાવમાં વધારા પાછળ કાચા માલની કિંમત અને પરિવહન ખર્ચમાં થયેલા વધારાને મુખ્ય કારણ ગણાવવામાં આવે છે. ઉત્પાદકોના વધેલા ખર્ચની અસર બજારમાં વેચાતા ફટાકડાના ભાવ પર પડી છે. પરિણામે, સામાન્ય પરિવારો માટે દિવાળીની ઉજવણીનો ખર્ચ વધવાની શક્યતા છે. જોકે, વેપારીઓને આશા છે કે તહેવાર નજીક આવતાં ખરીદીમાં તેજી આવશે. હવે જોવાનું એ રહેશે કે ભાવવધારા વચ્ચે અમદાવાદના ફટાકડા બજારમાં ગ્રાહકો કેટલો ઉત્સાહ બતાવે છે અને આ વર્ષે દિવાળીની ખરીદી માટે કેટલું બજેટ ફાળવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here